Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા મંદિરે ધ્વજારોહણનો મામલો લાંબા સમયથી ચર્ચામાં છે. એક તરફ અબોટી બ્રાહ્મણ સમાજ છઠ્ઠી ધ્વજાજીનો નિર્ણય એકતરફી હોવાનું કહે છે ત્યારે બીજી તરફ વહીવટીતંત્ર કહે છે, કોઈ વિવાદ છે જ નહીં. અબોટી બ્રાહ્મણ સમાજ છઠ્ઠી ધ્વજાજી મુદ્દે વહીવટીતંત્ર સામે લડી લેવાના મૂડમાં દેખાય છે તેથી સંભવ છે કે, આ મામલો અદાલત સુધી પણ પહોંચી શકે છે.
દેવભૂમિ દ્વારકા ખાતે જગતમંદિરમાં હાલ છઠ્ઠી ધ્વજાજી અંગે વાતાવરણ અધિકારની લડાઈ પ્રકારનું જોવા મળે છે. છઠ્ઠી ધ્વજાજી અંગેનો જે નિર્ણય વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તે એકતરફી નિર્ણય છે એવી તકરાર લઈને અબોટી બ્રાહ્મણ સમાજે આ મુદ્દે કાનુની નોટિસની કાર્યવાહી કરી છે. આ સમાજ એમ પણ કહે છે કે, આ પ્રકારનો નિર્ણય લેવાની સત્તા વહીવટીતંત્ર ધરાવતું જ નથી.
આ મુદ્દે આજે સવારે માય સમાચાર ડોટ ઈન દ્વારા દેવભૂમિ દ્વારકા કલેકટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અશોક શર્માનો ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, છઠ્ઠી ધ્વજાજી મુદ્દે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. લેવાયેલા નિર્ણય મુજબ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત માય સમાચાર ડોટ ઈન દ્વારા પ્રાંત અધિકારીનો પણ ટેલિફોનીક સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેઓએ જણાવ્યું છે કે – આ કાર્યવાહી એકતરફી નથી. જેતે સમયે બેઠકમાં અબોટી બ્રાહ્મણ સમાજ પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ બેઠકમાં હકારાત્મક વલણ અખત્યાર કર્યું હતું. અને, માત્ર ધ્વજાજી લાગા અંગેનો એક મુદ્દો છે. જે મુદ્દો અબોટી બ્રાહ્મણ સમાજ અને ગુગળી બ્રાહ્મણ સમાજ વચ્ચેનો છે, જેમાં વહીવટીતંત્રએ કોઈ દરમિયાનગીરી કરવાની રહેતી નથી.
બીજી તરફ છઠ્ઠી ધ્વજાજી મુદ્દે અબોટી બ્રાહ્મણ સમાજ વહીવટીતંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. કેમ કે, આ સમાજ છઠ્ઠી ધ્વજાજી અંગે અધિકાર ધરાવે છે. અને વહીવટીતંત્રનાં આ નિર્ણય અનુસંધાને અબોટી બ્રાહ્મણ સમાજે તંત્રને નોટિસ પણ પાઠવી છે. જો કે પ્રાંત અધિકારીએ આ નોટિસ મુદ્દે માય સમાચાર ડોટ ઈનને જણાવ્યું છે કે, અમોને આ નોટિસ હજુ સુધી મળી નથી.
અત્રે એ પણ નોંધનીય છે કે, અબોટી બ્રાહ્મણ સમાજ દ્વારા તંત્રને એમ પણ કહેવાયું છે કે, તંત્ર દ્વારા અવારનવાર અમોને વિશ્વાસમાં લીધા વિના ધ્વજાજી મુદ્દે નિર્ણય કરવામાં આવે છે જે અમારા હક્ક પરની સીધી તરાપ હોવાનું દેખાઈ રહ્યું છે. નામદાર કોર્ટે ધ્વજાજીનો અધિકાર અમોને સોંપ્યો છે. છઠ્ઠી ધ્વજાજીની ડિપોઝિટની રકમ પણ અમને વિશ્વાસમાં લીધા વિના નક્કી કરવામાં આવી છે. અમારા પર છઠ્ઠી ધ્વજાજીનો નિર્ણય ઠોકી બેસાડવામાં આવ્યો છે એમ જણાવી અબોટી બ્રાહ્મણ સમાજે ઉમેર્યું છે કે, લાગા અને સલામતી અંગેની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો નાછૂટકે અબોટી બ્રાહ્મણ સમાજે ન્યાય મેળવવા અદાલતનો આશરો લેવો પડશે તેમજ અદાલતની અવમાનનાની કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે એવું અબોટી બ્રાહ્મણ સમાજે તંત્રને ચિમકી આપતાં જણાવ્યું છે.