Mysamachar.in:અમદાવાદ
આમ તો પોલીસનો ડર ભલભલાને લાગે પણ જેને નકલી પોલીસ બની અને તોડ કરવા છે તેને આવો ડર ના લાગે તેવો એક કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવકને રોકી ‘મોટા સાહેબ બોલાવે છે’ કહીને અવાવરું જગ્યાએ લઈ ગયા બાદ સાગરીતો સાથે મળી 20 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. પણ મામલો અસલી પોલીસ સુધી પહોચતા નકલી પોલીસ બની લુંટ ચલાવનાર સકંજામાં આવી ચુક્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવા નરોડામાં રહેતા નિતીન ભાવસાર સિલાઇકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કારીગરોને આપવા માટે તેઓએ મિત્ર પાસેથી વીસેક હજાર રૂપિયા લીધા હતા. ત્યાં ત્રણેક દિવસ પહેલાં આ મિત્રને મળવા તેઓ ગેલેક્ષી પાસે ગયા હતા, ત્યારે એક વ્યક્તિ તેમની પાસે એક્ટિવા લઇને આવ્યો હતો. જેણે નિતીનભાઇને રોકી ‘હું પોલીસમાં છું મારા સાહેબે પોલીસસ્ટેશને બોલાવ્યા છે’ તેમ કહીને એક્ટિવા પર બેસાડી નિતીનભાઇને ઠક્કરનગર તરફ લઇ જતો હતો. એક્ટિવા ચાલક અન્ય જગ્યાએ લઇ જતા નિતીનભાઇએ ‘પોલીસ સ્ટેશન નરોડા ગામ બાજુ આવ્યું છે, તમે ક્યાં લઇ જાવો છો’ તેવું પૂછતા આરોપીએ ‘આગળ મોટા સાહેબ ઉભા છે ત્યાં મલીને પછી પોલીસસ્ટેશન લઇ જઇશ’ તેમ કહી ઠક્કરનગર લઇ ગયો હતો.
બાદમાં ‘તને અહીં પકડ્યો છે જો તારે છુટવું હોય તો મોટા સાહેબને 15 હજાર આપી દે તો તને જવા જઇશું’ તેમ કહી માર મારવા લાગ્યા હતા. અન્ય શખ્સોએ ત્યાં આવી આ નિતીનભાઇના ખિસ્સામાંથી 20 હજાર કાઢી લીધા હતા. નિતિનભાઇએ આખરે નકલી પોલીસ દ્વારા લૂંટનો ભોગ બનતા આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપી હારુન રસીદ શેખ અને અંજુર ખાન પઠાણની ધરપકડ કરી છે. બંને નકલી પોલીસ હાલ તો પોલીસના સકંજામાં આવી ગયા છે.