Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ તબીબોની તંગી છે, અને આ સ્વીકાર રાજ્યના આરોગ્યમંત્રીએ વિધાનસભામાં પણ કર્યો છે, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપવાનો ડૉક્ટરોનો ટ્રેંડ હજુ પણ યથાવત્ હોય તેમ લાગે છે, 2020માં ગામડામાં સેવા આપવાના બદલે 16 કરોડ 41 લાખ રૂપિયા ડૉક્ટરોએ બોન્ડ સ્વરૂપે ભર્યા છે. સરકારે બોંડની રકમ વધારીને 40 લાખ રૂપિયા કરી છતાં ગામડામાં ડૉક્ટર જતાં નથી. ગામડામાં સેવા આપવાના બદલે ડૉક્ટર ડિગ્રીધારકો 40 લાખ રૂપિયા ચૂકવે છે. ડિગ્રી મેળવીને ગામડામાં સેવા આપવાના બદલે રૂપિયા ભરીને છૂટી જાય છે.
મહત્વનું છે કે, લાખો રૂપિયાની ફી અને વર્ષો સુધીના અભ્યાસ બાદ કોઈપણ વ્યક્તિ શહેરની વચ્ચે રહેવા માગતો હોય છે. તો બીજી તરફ સરકારને પણ તમામ ગામડાઓમાં આરોગ્યની સુવિધાને જાળવી રાખવી પડે છે. જેના માટે દૂર ગામડાઓમાં ડૉક્ટરોની જરૂર પડે છે. પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તબીબોને ગામડે જવું નથી. જેથી સરકારે ફરજીયાત નિયમ બનાવ્યો છે.
ડૉક્ટર બન્યા પછી ફરજિયાત 3 વર્ષ ગામડાઓમાં પસાર કરવા પડે તેવા બોન્ડ સહીં કરે છે. ત્યારે ગામડામાં ડોક્ટર્સ જવા તૈયાર ન હોવાના કારણે ફરજિયાત સેવા 3 વર્ષથી ઘટાડી 1 વર્ષ કરી છે. 1 વર્ષની સેવા ફરજિયાત કર્યા છતાં ડૉક્ટર ગામડામાં નોકરી કરવાના બદલે પૈસા ભરી દે છે. ગુજરાતના શહેરોમાં મેડિકલ પ્રેક્ટિસમાં ધીકતો ધંધો હોવાના કારણે ગામડામાં ડોક્ટર્સ મળતા નથી. 2019માં સરકારે ગામડામાં નહી ગયેલા ડૉક્ટર પાસેથી 19 કરોડ રૂપિયા વસૂલ્યા હતા આમ રાજ્યના કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ તબીબોની ઘટ હોય હોય તેવો સ્વીકાર ખુદ આરોગ્યમંત્રીએ વિધાનસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં આપ્યો છે.