Mysamachar.in-જામનગર:
છોટીકાશી જામનગરમાં આવતીકાલ શુક્રવારથી પ્રથમ વખત શ્રીમદ્ ભાગવત સપ્તાહની રાત્રિકથાનો શુભારંભ ખંભાળિયા હાઈવે પર આવેલાં તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે થવા જઈ રહ્યો છે. વક્તા પૂજ્ય શ્રી જીગ્નેશદાદા ભાગવત વચનામૃતનું રસપાન કરાવશે. જામનગરના શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ આયોજિત આ ભાગવત સપ્તાહનો કથા શ્રવણ સમય દરરોજ રાત્રે 08-30 વાગ્યાથી રહેશે. આ અંગે આયોજક સમિતિએ જણાવ્યું છે કે,
આજની યુવા પેઢી જે સતત પોતાની દિનચર્યામાં, વ્યવસાયમાં, પરિવારમાં સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત હોય છે, તેથી આ યુવા પેઢી અને આવનારી પેઢી રાત્રિના સમયે પરવારીને વડીલો સાથે ભાગવતકથાનું રસપાન કરી શકે તેવા સદવિચાર સાથે જીગ્નેશદાદાની અનુમતીથી, શહેરમાં પ્રથમ વખત આ રાત્રિકથાનું નોખું-અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે શુક્રવારે સાંજે 05-30 કલાકે પોથીયાત્રાનો પ્રારંભ શ્રી બાલાહનુમાન સંકીર્તન રામમંદિર ખાતેથી થશે અને આ પોથીયાત્રા કથાસ્થળ તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા બાદ રાત્રે 08-30 વાગ્યાથી કથાનો પ્રારંભ થશે. સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ઉજવાશે. મંગળવારે શ્રી ગીરીરાજ ઉત્સવ, બુધવારે કૃષ્ણ-રૂક્ષમણી વિવાહ અને ગુરૂવારે સવારે 09-30 વાગ્યે, 18 જાન્યુઆરીએ કથા વિરામ થશે. સમગ્ર આયોજન અને સંચાલન શ્રી કૃષ્ણ મિત્રમંડળ અને કથા એકઝીકયુટીવ કમીટી દ્વારા થશે. કમીટીમાં 26 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.