Mysamachar.in-સુરતઃ
ફરી એકવાર રાજ્યમાં આતંકીઓના મોટો નેટવર્કનો પર્દાફાશ થયો છે. આતંકીઓને પૈસા મોકલતી સંસ્થા પર NIAએ દરોડા પાડ્યા હતા. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશનના ઓથા હેઠળ ગુજરાતના દક્ષિણ ગુજરાતમાંથી ફંડિંગ થતું હોવાની માહિતીના આધારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી( એનઆઈએ) દ્વારા સુરત અને વલસાડમાં દરોડા પાડ્યા છે. આ દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ તથા દુબઇ અને રાજસ્થાનથી સહાય મોકલવામાં આવતી હોવાનું ખુલ્યું છે. તો ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન ટેરર મામલે વલસાડના પકડાયેલા મોહમદ આરીફ ગુલામબશીર ધમરપુરિયા સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ(NIA)એ ચાર્જશીટ ફાઈલ કર્યું છે.
થોડા સમય પહેલા જ જયપુર એરપોર્ટ પરથી મોહમદ હુસેન મોલાની ઉર્ફ બાબલો અબ્દુલ હમીદ મોલાનીની ધરપકડ કરી હતી, જેની પુછપરછમાં સુરત અને વાપીમાં ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશનની ઓફિસમાંથી નાણાકીય વ્યવહાર થતા હોવાનું ખુલ્યું હતું. જે અંગે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે દેશભરમાં આતંકીઓને પૈસા પહોંડવામાં આવી રહ્યાં છે. આ માટે NIA દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રાજસ્થાનના જયપુર- સિકર, યુપીના ગોંડા, દિલ્હી અને કેરાલાના કસારગોડ અને હવે ગુજરાતમાં સુરત અને વાપીમાં મોટાપાયે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. સુરતમાં દરોડા દરમિયાન NIAની ટીમે ૨૬ સીમ કાર્ડ, ૨૩ મોબાઇલ, ૦૫ મેમરી કકાર્ડ, ૦૧ ડિસ્ક, ૦૫ હાર્ડ ડિસ્ક, ૦૧ પેન ડ્રાઇવ, ૮ પાસપોર્ટ, ૯ ડેબિટ કાર્ડ, ૦૧ લેપટોપ તથા ૨ કિલો સોનું તથા ૨૧ લાખ રોકડા, સોનું-૨ કિલો, દુબઈના લગતા સંખ્યાબંધ દસ્તાવેજો કબજે કર્યા છે.