Mysamachar.in-ગાંધીનગર:
પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ઉર્ફે PMJAY યોજનામાં ધૂમ કુંડાળાઓ ધમધમી રહ્યા છે, એ બાબત અમદાવાદના ખ્યાતિકાંડથી જાહેર થઈ ગઈ. આ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થઈ જતાં આ કુંડાળાઓ બહાર આવ્યા અને કુંડાળાઓ ચીતરનાર પૈકી અમુક જેલમાં અને અમુક રિમાન્ડ પર છે અને ત્રણેક આરોપીઓને બચાવવા માટે પણ ખેલ થઈ રહ્યા છે, તે દરમિયાન જાણવા મળે છે કે, આ યોજનાનો અમલ હવે કડક રીતે થશે. કુંડાળાઓ અટકાવવા ફિલ્ટર ગોઠવવામાં આવશે.
અત્યંત આધારભૂત સૂત્ર અનુસાર, આ યોજનામાંથી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ બાદ કરવા તથા અટકાવવા રાજ્ય સરકાર નવી SOP તૈયાર કરી રહી છે. આ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 2 લેયર હશે. ધારો કે કોઈ દર્દી માટે કોઈ ડોક્ટરે ઓપરેશનની ભલામણ કરી હોય, તેવા કિસ્સાઓમાં ડોક્ટર્સની ટીમ આ ભલામણની સમીક્ષાઓ કરશે, અને નક્કી કરશે કે- ખરેખર આ દર્દીને ઓપરેશનની જરૂર છે ? કેવા પ્રકારનું ઓપરેશન છે અને ઓપરેશન તથા સારવારનો કુલ ખર્ચ આશરે કેટલો થશે- વગેરે બાબતોની ચકાસણીઓ બાદ જ ઓપરેશન થઈ શકશે. ખોટાં ઓપરેશન અટકાવવાનો આશય છે.
આ SOP તૈયાર કરવા અગાઉ આરોગ્યમંત્રીએ એક બેઠક યોજેલી. જેમાં ચર્ચાઓ થઈ. અને, આ બાબત અંગે મુખ્યમંત્રીની પણ સહમતી લઈ લેવામાં આવી હોવાનું એક અધિકારીએ કહ્યું. સૂત્ર ઉમેરે છે: હ્રદયરોગ સંબંધિત ઓપરેશન, ઘૂંટણ બદલવાના ઓપરેશન, કેન્સરની સારવાર માટે કેમોથેરાપી તથા રેડિયોલોજી માટેની SOP હાલ વિચારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે, સરકારના ધ્યાન પર આવ્યું છે કે- કેટલીક હોસ્પિટલો દર્દીઓના ઓપરેશન સંબંધે સરકારમાંથી રકમો મેળવવા જે કલેઈમ કરે છે, તેમાં અનિયમિતતાઓ અને ગેરરીતિઓ બહાર આવી છે. આ છટકબારીઓ બંધ કરવા નવી SOP માં કડક અંકુશ આવશે. અને, આ યોજનાના નાણાંનો દુરુપયોગ ન થાય તે જોવામાં આવશે. આથી ઘણી ખાનગી હોસ્પિટલોના તાગડધિન્ના બંધ થઈ જશે.
ઓપરેશન માટેની ડોક્ટરની ભલામણ બાદ ડોક્ટર્સની ટીમ દ્વારા ભલામણની સમીક્ષામાં વિલંબ ટાળવા માટે પણ નિયમો બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં PMJAY યોજનામાં ઘૂંટણ બદલવાના ઓપરેશનની સંખ્યા અને હ્રદયરોગ સંબંધિત ઓપરેશનની સંખ્યા પ્રથમ બે ક્રમ પર છે. સરકાર એ સુનિશ્ચિત કરવા ચાહે છે કે, આ યોજનાનો લાભ માત્ર ખરાં લાભાર્થીઓને જ મળે- ગેરરીતિઓ અટકે.