Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદના ખ્યાતિકાંડને કારણે સમગ્ર રાજ્યમાં PMJAY યોજના લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ઘણી હોસ્પિટલો અને તબીબોને વિવિધ અનિયમિતતાઓ અને ગેરરીતિઓ સબબ તાજેતરમાં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્ય વિભાગ સામે હાલમાં ઘણાં પ્રશ્નો ઉભા થયા હતાં, આ બધી બાબતોના તોડરૂપે રાજ્ય સરકારે આજે નવી SOP જાહેર કરી છે અને જણાવાયું છે કે, તેનો અમલ કડક રીતે કરવાનો રહેશે.
ખાસ કરીને જે દર્દીઓ PMJAY યોજના અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હ્રદયરોગ અને કેન્સર જેવા રોગોની મહત્વપૂર્ણ સારવારો લઈ રહ્યા છે, તેમને ધ્યાનમાં લઈ ઘણાં અને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોની યાદી લાંબી છે, જે પૈકી કેટલાંક મહત્વપૂર્ણ મુદ્દાઓ આ પ્રમાણે છે.
કાર્ડિયોલોજીની સારવારો માટે જે સેન્ટર ફૂલટાઈમ કામ કરતાં હશે, એમને જ આ કામ માટે માન્યતા આપવામાં આવશે. ઘણી ખાનગી હોસ્પિટલો આ સારવારમાં ટાઈ અપ મારફતે નાણાં રળતી હતી, જે હવે બંધ થશે. ખાનગી હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ અને ફિઝિયોથેરાપીસ્ટ રાખવા પડશે. ખાસ કિસ્સાઓમાં જ કાર્ડિયોલોજી સેન્ટરો એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની CD/ વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઈમરજન્સી કેસમાં આ અપલોડેશન સારવાર બાદ કરી શકાશે. કેન્સરના દર્દીઓની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સંયુકત પેનલ ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં દર્દીની સારવારનો પ્લાન નક્કી કરી શકશે. અહીં TBC અપલોડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત દર્દીને કેન્સર સારવાર યોગ્ય રીતે મળી રહે તે માટે IGRT( ઈમેજ ગાઈડેડ રેડિયેશન થેરાપી)માં CBCT (કોન બિમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઈમેજ KVમાં એટલે કે કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં, આ થેરાપી ક્યા ક્યા ટ્યૂમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. રેડિયેશન થેરાપીના પેકેજિસમાં સુધારાઓ કરવામાં આવ્યા છે.
મહિલાઓમાં જોવા મળતાં ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર, જેમાં બ્રેકી થેરાપીની જરૂરિયાત હોય, તેવા કિસ્સાઓમાં જ્યાં બ્રેકી થેરાપીની સગવડ હોય તેવી જ હોસ્પિટલો PMJAY યોજના અંતર્ગત આ દર્દીઓની સારવાર કરી શકશે. આ થેરાપી માટે હોસ્પિટલો વચ્ચેનું ટાઈ અપ ચલાવી લેવામાં આવશે નહીં.
જે હોસ્પિટલો Orthoplasty (TKR-THR) સારવાર આપી રહી છે, તે હોસ્પિટલોએ ઓછામાં ઓછા 30 ટકા ઓપરેશન Orthopedic અને પોલીટ્રોમા(અકસ્માત)ના કરવા ફરજિયાત રહેશે. આ પ્રમાણ જાળવવું પડશે. જે હોસ્પિટલો આ રેશિયો નહીં જાળવે, તેને દંડ થશે. કોઈ હોસ્પિટલ ધારો કે, સળંગ 9 માસ સુધી આ રેશિયો ન જાળવે તો તે હોસ્પિટલને Orthoplasty specialityમાંથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવશે.
ચોક્કસ 7 પ્રકારની સારવાર અગાઉ દર્દીઓ અને તેના પરિવારજનોને સારવાર સંબંધે જે વિગતવાર સમજણ આપવામાં આવે તેનું વીડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ 7 સારવારોમાં એન્જિયોગ્રાફી અને બ્રેન, કેન્સર તથા મણકાંની તબીબી સારવાર સહિતની સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ સારવાર પૂર્વે, સારવાર દરમિયાન અને સારવાર બાદ હોસ્પિટલોએ શું શું કરવાનું રહે છે, એ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.