Mysamachar.in-અમદાવાદ:
આગામી 17 ફેબ્રુઆરીથી ટોલ પ્લાઝા પર તમારે ફાસ્ટેગ સંબંધિત કઈ જાણકારીઓ ધ્યાનમાં લેવાની રહેશે, એ અંગેની વિગતો બહાર આવી છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આ જાણકારીઓ શેર કરી છે.
પેમેન્ટ કોર્પોરેશન કહે છે: ટોલ પ્લાઝા પર પેમેન્ટ નિષ્ફળતા ટાળવા વપરાશકારોએ આ અપડેટ્સ ધ્યાન પર લેવા જોઈએ. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન સમયે ટેગ રીડ થશે ત્યારે ચોક્કસ ટાઇમ વિન્ડોના આધારે રીડ થશે. જો ફાસ્ટેગ બ્લેક લિસ્ટ થયેલું હોય, કે હોટ લિસ્ટમાં મૂકવામાં આવ્યું હોય અથવા ટોલ બૂથ પર પહોંચતા પહેલાના એક કલાક કરતાં વધુ સમય માટે લો બેલેન્સ જાહેર થયેલું હશે તો બૂથ પર ટ્રાન્ઝેક્શન રદ્દ થશે.

અને, ટોલ બૂથ પર ફાસ્ટેગ સ્કેન થયાની 10 મિનિટ સુધીમાં જો ટેગ બ્લેક લિસ્ટ અથવા ઈનએક્ટિવ સ્ટેટ્સ દેખાડશે તો પણ બૂથ પરનું ટ્રાન્ઝેક્શન રદ્દ ગણવામાં આવશે. આ બંને મામલામાં તમારે ડબલ જેટલો ટોલ ચૂકવવો પડી શકે છે. ટૂંકમાં, આ 70 મિનિટ તમારાં માટે ક્રિટિકલ સાબિત થઈ શકે. જો યુઝર્સ ટ્રાન્ઝેક્શન એટેમ્પટ પછીની 10 મિનિટની અંદર ફાસ્ટેગ રિચાર્જ કરાવી લેશે તો, પેનલ્ટી રકમ તેને પરત મળી શકે છે.
આ બધી જફા ટાળવા ટોલ પ્લાઝા પર પહોંચતા અગાઉ જ તમારે એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ રાખવી પડશે, બ્લેક લિસ્ટીંગ અટકાવવા તમારી KYC ડિટેઈલ નિયમિતપણે અપડેટેડ કરાવો, લાંબી મુસાફરી અગાઉ જ તમારૂં ફાસ્ટેગ સ્ટેટ્સ ચકાસી લ્યો, ફાસ્ટેગ બેલેન્સ નિયમિત મેનેજ કરો, વેલિડેશનના નવા નિયમો હેઠળ વિલંબ તથા વધારાના ટોલથી બચવા હાઈવે યુઝર્સએ આ તમામ જાણકારીઓ રાખવી જરૂરી છે.
ટોલ બૂથ છોડ્યા બાદ તરત જ ફાસ્ટેગ રિચાર્જ થઈ શકશે નહીં, તમારે થોડી રાહ જોવી પડશે. આનો અર્થ એ પણ થઈ શકે કે, બૂથ પર પહોંચવાની 60 મિનિટ અગાઉ અને બૂથ છોડ્યાની 10 મિનિટ બાદનો 70 મિનિટનો કુલ સમય એવો છે કે તમે જો આ 70 મિનિટના ગાળાની બહાર રહીને રિચાર્જ કરાવેલું હશે તો તમે પેનલ્ટીમાંથી બચી શકશો. ટૂંકમાં ફાસ્ટેગ બેલેન્સ મેનેજમેન્ટ પર તમારે વધુ ધ્યાન આપવું પડશે, બેદરકારીઓ તમને આર્થિક નુકસાન કરાવી શકે છે. 17 ફેબ્રુઆરીએ આ નવા નિયમો અમલમાં આવી જશે.(Symbolic image source:google)
