Mysamachar.in-
આધારકાર્ડ સંબંધિત કેટલીક કામગીરીઓ આમ તો ફ્રી છે પરંતુ સરકારી વ્યવસ્થાઓથી થાકેલાં લોકો ખાનગી સેવા કેન્દ્રોમાં અમુક નાણાંનો ખર્ચ કરીને જરૂરી કામો કરાવી લેતાં હોય છે. દરમ્યાન, આધારકાર્ડ ઓથોરિટીએ ખુદે આ કામગીરીઓ સંબંધે અલગ અલગ અપડેશનના નવા દરો જાહેર કર્યા છે.
આધારકાર્ડ ઓથોરિટીએ જાહેર કર્યું છે કે, પહેલી ઓક્ટોબરથી આ નવા દરો અમલી બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત અનુસાર, પાંચ વર્ષ સુધીના બાળકનું નવું આધારકાર્ડ- પાંચ વર્ષથી વધુની વય ધરાવનારનું નવું આધારકાર્ડ અને પાંચથી સતર વર્ષ સુધીની વય માટેનું બાયોમેટ્રિક અપડેશન- આ 3 કામગીરીઓ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ ઉપરાંત કહેવાયું છે કે, 17 વર્ષથી વધુ વય ધરાવનાર માટે બાયોમેટ્રિક અપડેશનનો ચાર્જ 25 રૂપિયા વધારી રૂ. 125 કરવામાં આવ્યો છે. એ જ રીતે, ડેમોગ્રાફી સાથે અથવા વગર અન્ય અપડેશન માટે પણ રૂ. 125 નો નવો ચાર્જ જાહેર થયો છે. નામ-સરનામું બદલવું, નિવાસ ઓળખ અંગેની કામગીરીઓ કેન્દ્ર પર અથવા ઓનલાઈન રૂ. 75 આપીને કરાવી શકાશે. આધારશોધ અને A4 શીટ પર કલર પ્રિન્ટનો ચાર્જ જે અગાઉ રૂ. 30 હતો તે વધારીને રૂ. 40 કરવામાં આવ્યો છે.