Mysamachar.in:ગાંધીનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં જમીનના ટાઈટલ કલિયરન્સ માટેની તથા બિનખેતી માટેની પ્રોસેસ ઝડપી બનાવવા સંબંધે ઘણાં સમય અગાઉ સરકારે એક જાહેરાત કરેલી પરંતુ તે સંબંધે રાજ્યના મહેસૂલ વિભાગે જરૂરી ઠરાવ કર્યો ન હતો તેથી આ જાહેરાત અત્યાર સુધી હવામાં જ રહી. હવે મહેસૂલ વિભાગે આ માટેનો ઠરાવ ગઈકાલે બુધવારે જાહેર કરી દેતાં આ નવી પ્રથા આજથી અમલમાં શરૂ થઈ ગઈ છે. હવે કબજેદાર પ્રમાણપત્ર વગેરે કામો માટે અરજદારે વકીલ પાસે જવું નહીં પડે, કલેક્ટર ઓફિસ તથા મામલતદાર કચેરીએ આ કામો નિપટાવી શકાશે.
મહેસૂલી ટાઈટલ અને કબજેદાર પ્રમાણપત્ર કલેક્ટર ઓફિસ મારફતે જ મળી શકે તે માટે ગુજરાત સરકારે ગત્ 8મી એપ્રિલે જાહેરાત કરી હતી. પરંતુ પાછલાં સાડા ત્રણ મહિનાથી આ જાહેરાત માત્ર જાહેરાત જ રહી હતી, કારણ કે આ માટે સરકાર કક્ષાએ જરૂરી ઠરાવ થયો ન હતો.
ગઈકાલે બુધવારે મહેસૂલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી આ ઠરાવ જાહેર થઈ ગયો છે. આ ઠરાવમાં જણાવાયું છે કે, RTLOC મેળવવાની ઓનલાઈન અરજી માટે www.iora.gujarat.gov.in ઉપર જમીનના કબજેદાર અરજી કરી શકશે, સ્વ ઘોષણાપત્ર ભરી શકશે. એક જ 7-12માં એક કરતાં વધુ ખાતાં હોય તો તમામ અરજદારોની સહીઓની જરૂર પડશે. આ માટેની ફી નિયત છે. અરજી દફતરે થશે તો પણ આ રકમ પરત મળશે નહીં. અધૂરી વિગતો સાથેની અરજીનો સ્વીકાર થશે નહીં. મહાનગરોમાં આ અરજીઓની ચકાસણીઓ નાયબ કલેક્ટર હસ્તક થશે.
મહાનગરો સિવાયના વિસ્તારોમા આ કામગીરીઓ મામલતદાર કચેરીએ થશે. અરજીઓની ચકાસણીઓ માટે પાંચ દિવસ ફીક્સ કરવામાં આવ્યા છે. માહિતીની પૂર્તતા માટે અરજદારને સપ્તાહનો સમય આપવામાં આવશે. અરજીઓ સ્વીકારી લીધાં બાદ ચીટનીસે 7 દિવસમાં સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અરજી નાયબ કલેક્ટરને મોકલી આપવાની રહેશે. નિવાસી અધિક કલેક્ટર આ અરજી 6 દિવસમાં કલેક્ટરને મોકલશે. કલેક્ટર 6 દિવસમાં નિર્ણય કરશે. હવેથી કોઈ પણ કબજેદાર અરજદારે આ કામ માટે વકીલ પર નિર્ભર રહેવું પડશે નહીં.
-શિક્ષા માટેની વ્યવસ્થાઓ શું છે?..
આ સમગ્ર કામગીરીઓ માટે 17 પ્રશ્નોનું ચેકલિસ્ટ છે. જેમાં 25 વર્ષ દરમ્યાનની તબદિલી, વારસાઈ વગેરેની ચકાસણીઓ થઈ જશે. આ ઠરાવમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોઈ પણ અધિકારી ખોટો કે અસ્પષ્ટ અભિપ્રાય આપશે તો, મામલો શિક્ષાપાત્ર બની શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રમાણપત્ર મળી ગયા બાદ 10 જ દિવસમાં જમીન બિનખેતી થઈ શકશે, એવો સરકારનો દાવો છે.