Mysamachar.in-અમદાવાદઃ
ટ્રાફિક, ટોલ પ્લાઝા બાદ હવે સોનાના દાગીનાને લઇને નવો નિયમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને માહિતી જણાવતા કહ્યું કે સોનાના દાગીનામાં BIS હોલ માર્કિંગ ફરજિયાત કરાવવાનું રહેશે. આ હોલ માર્કિંગ અંગેને વધુ માહિતી અને નિયમો આગામી 15 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. સાથે જણાવ્યું કે વેપારીઓના પ્રશ્નોને ધ્યાને રાખી નવો નિયમ એક વર્ષ પછી એટલે કે 15 જાન્યુઆરી 2021માં ફરજિયાત લાગુ કરવામાં આવશે. આ નિયમ અંગે સરકારનું કહેવું છે કે લોકોને શુદ્ધ સોનું મળી રહે તેવો હેતુ છે. હોલ માર્કિંગ કરવાથી સોનું કેટલું શુદ્ધ છે તે જાણી શકાય છે. એટલે કે સોનામાં અન્ય મેટલનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. તો તેનો ઓફિશિયલ રેકોર્ડ પણ રાખી શકાશે. હોલમાર્કિંગ માટે ઝ્વેલર્સે લાયસન્સ લેવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતીય માનક બ્યૂરો મુજબ 234 જિલ્લામાં 877 કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. હાલ માત્ર 26,019 ઝ્વેલર્સ પાસે જ હૉલમાર્ક પ્રમાણિત દાગીના છે. અને આ સિવાય દેશભરમાં નાના મોટા 6 લાખ જ્વેલર્સ એવા છે જેની પાસે આ પ્રમાણ પત્ર નથી.