Mysamachar.in-જામનગર:
ભારતમાં ધરતીકંપ એટલે કે ભૂકંપ અતિ સંવેદનશીલ બાબત છે. અને ગુજરાતને તો આજથી 24 વર્ષ અગાઉ મહાભયાનક ભૂકંપનો અતિ પ્રાણઘાતક અનુભવ થઈ ગયો હોય, લોકો ભૂકંપથી ખૂબ ડરે છે. તે દરમ્યાન, તાજેતરમાં નેશનલ લેવલે ભૂકંપ સંવેદનશીલ ઝોનનું નવું મેપિંગ થયું. એક ઝોનનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. નવા મેપિંગ અનુસાર, જામનગર સહિતના સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં ચિંતાઓ વધી.
ભૂકંપ મેપિંગ મુજબ, જામનગરનો સમાવેશ અગાઉ ઝોન 4 માં સમાવેશ થયેલો છે જ, ઝોનમાં ફેરફાર થયો નથી. પરંતુ જમીનની હલવાની તીવ્રતા અગાઉની સરખામણીએ 50 ટકા કરતાં વધુ વધી ગઈ. આ તીવ્રતા g force તરીકે માપવામાં આવે છે. અગાઉ આ તીવ્રતા જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબીમાં 0.16 g હતી તે વધીને 0.25 g થઈ ગઈ છે. ટૂંકમાં જોખમનું પ્રમાણ વધી ગયું છે.
ભારત સરકારના બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ એ તાજેતરમાં IS 1893(part: 1):2025ના 7 મા સુધારા મુજબ હાલ આ વિગતો જાહેર થઈ છે. ઉત્તર ભારતના હિમાલય ક્ષેત્રનો સમાવેશ નવા ઝોન-6 માં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેની તીવ્રતા ઝોન-5 મુજબ માપવામાં આવતી. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને મોરબીનો સમાવેશ ઝોન-4માં થાય છે. મતલબ આપણે ત્યાં પણ જોખમ અન્ય 3 ઝોન કરતાં વધુ છે.
આ નવા મેપિંગ બાદ હવે એવું બની શકે કે, ગુજરાતમાં બાંધકામ નિયમોમાં કદાચ થોડો ફેરફાર આવી શકે. નિયમો કડક બની શકે. અથવા હાલના નિયમોનો અમલ કડક બની શકે. નોંધનીય છે કે, ગુજરાતમાં 2001ના ભૂકંપ બાદ બાંધકામો ભૂકંપ પ્રતિરોધક બનાવવામાં આવી રહ્યા છે. જો બાંધકામ નિયમોમાં ફેરફાર આવશે તો મકાનોનો ખર્ચ વધશે, બાંધકામ મોંઘા થઈ શકે છે. ટૂંકમાં, બાંધકામ નિયમો(GDCR)માં ફેરફાર થઈ શકે છે. જો કે, ગુજરાત સરકારે હજુ સુધી આ ભૂકંપના નવા મેપિંગ અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી. આગામી દિવસોમાં સરકાર વતી નિવેદન આવી શકે છે.





