Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં તાજેતરમાં પેપરલીક મુદ્દે ઘમાસાણ મચી ગયું હતું. વિપક્ષ ઉપરાંત બેરોજગારો અને સતાપક્ષની વિદ્યાર્થી પાંખે પણ સરકારને ભીંસમાં લીધી. સરકાર પણ આ મુદ્દે આક્રમક જોવા મળી રહી છે, કસૂરવારોને બક્ષવામાં આવશે નહીં. આ માટે નવો કાયદો પણ લાવવામાં આવશે, એવી હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભરતી પરીક્ષાઓનાં પેપરલીકનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને વ્યાપક છે. સર્વત્ર રોષ, નારાજગી, આક્રોશ, ગુસ્સો અને વિરોધ જોવા મળી રહ્યો છે. કડક પગલાં મુદ્દે સરકાર પર વધુ દબાણ સર્જાઈ રહ્યું છે. દરમિયાન સરકારે આખરે આ મામલે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
બુધવારની કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પત્રકારોને પેપરલીક સહિતના ઘણાં મુદ્દે, ઘણી બધી વિગતો જણાવી. તેઓએ કહ્યું : પેપરલીક મુદ્દે ઝડપી અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ બજેટસત્રમાં જ પેપરલીક અંગે નવો કાયદો લાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોડી રાત્રે પણ દરોડા પડી રહ્યા છે. ધરપકડો કરવામાં આવી રહી છે. અને, કસૂરવારો વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેઓએ એમ પણ કહ્યું કે, પરીક્ષાના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે પરીક્ષા પણ રદ્ કરવામાં આવી છે.
પશુઓના ઘાસચારા મામલે તેઓએ સરકાર તથા વનવિભાગની અસરકારક કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેઓએ કહ્યું : રાજ્યભરમાં નાગરિક પુરવઠા નિગમ નાં જેટલાં પણ ગોડાઉન છે ત્યાં બધાં જ સ્થળોએ CCTV કેમેરા નેટવર્ક ગોઠવવામાં આવશે. મીટશોપ અંગે બોલતાં તેઓએ કહ્યું : ગત્ જાન્યુઆરી માસમાં આ પ્રકારની તમામ દુકાનોનો રાજ્યમાં સર્વે થયો હતો. સર્વે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ દ્વારા થયો હતો. આ કામગીરી વિવિધ વિભાગોનાં સંકલનથી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું : 4,300થી વધુ દુકાનોનો સર્વે થયો હતો. 3,200થી વધુ દુકાનો પરવાનો ધરાવતી ન હતી. જે પૈકી 1,274 દુકાનો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ પત્રકારોને જણાવ્યું કે, રાજ્યમાં તમામ નાગરિકોને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેઓ ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને આ તમામ માહિતી આપી રહ્યા હતાં.