Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્ય માટે નવી જંત્રીનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, લોકો આ વિગતો જાણી શકે તે માટે સરકારે જામનગર સહિત બધાં જિલ્લાઓમાં તથા સરકારની વેબસાઈટ પર પણ આ મુસદ્દો જાહેર કર્યો છે અને લોકો પાસેથી આ સંબંધે વાંધાસૂચનો પણ મંગાવ્યા છે.

મહેસૂલ વિભાગના નાયબ સચિવએ આ માટેનો ઠરાવ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, હાલમાં જંત્રીના દરો અમલમાં છે તે ગત્ તા. 15-04-2023 થી અમલમાં છે. ત્યારબાદ વિવિધ સંસ્થાઓ અને સંગઠનો તરફથી સરકારમાં આ બાબતે રજૂઆત થયેલી. અને, આ રજૂઆતોને ધ્યાનમાં લઈ વ્યાપક જાહેર હિતમાં સરકારે વિચારણા કરેલી. જે અનુસંધાને વૈજ્ઞાનિક પાસાં ધ્યાનમાં લઈ માર્ચ થી નવેમ્બર-2023 સુધી તબક્કાવાર રીતે રાજ્યમાં સર્વે કામગીરીઓ કરવામાં આવેલી. શહેરી વિસ્તારોમાં 23,846 નવા વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારોમાં 17,131 ગામો માટે પ્રવર્તમાન જમીનના દરો મેળવવામાં આવ્યા હતાં.

આ ઠરાવમાં વધુમાં જણાવાયું છે કે, આ દરમિયાન મળેલી રજૂઆતો, તેનું વૈજ્ઞાનિક અર્થઘટન, વ્યાપક જાહેર હિતમાં જરૂરી ફેરફારો અને સમીક્ષાઓ બાદ તમામ જિલ્લાઓ માટે આખરી જંત્રી-2024 તથા માર્ગદર્શિકા-2024 બહાર પાડવામાં આવી છે. આ બંને વિગતો વેબસાઈટ https://garvi.gujarat.gov.in પર તથા સંબંધિત જિલ્લાઓમાં નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી) કચેરીઓ ખાતે લોકો નિરીક્ષણ કરી શકે તે માટે રાખવામાં આવેલ છે. લોકો આ માટેના વાંધાસૂચન 20-12-2024 સુધીમાં ઉપરોકત વેબસાઈટ પર રજૂ કરી શકશે.
