Mysamachar.in:ગાંધીનગર
બિલ્ડર અને ડેવલોપર લોબીના દબાણ પછી, રાજય સરકારે નવી જંત્રીનો અમલ હાલ પૂરતો પાછો ઠેલ્યો. પરંતુ જંત્રીના આ નવા દરનો 15 એપ્રિલથી અમલ શરૂ થાય એ પહેલાં સરકારે બિલ્ડર અને ડેવલોપર લોબીને ખુશ રાખવા કેટલાંક પ્રશ્નોનું નિરાકરણ શોધી લેવું પડશે. એ પ્રકારનું દબાણ હાલ બિલ્ડર અને ડેવલોપર લોબી તરફથી સરકાર પર યથાવત્ છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સરકાર ઈચ્છે છે કે – સંબંધિત મંત્રીઓ અને આઇએએસ અધિકારીઓ સાથે વિસ્તૃત વાતચીત કરવા, એક હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી 15 એપ્રિલ પહેલાં જંત્રીના નવા દરો સંબંધિત પ્રશ્નોનું સમાધાન શોધે. કારણ કે, જો એમ કરવામાં ન આવે તો પંદર એપ્રિલે ફરીથી એ જ સ્થિતિ સર્જાય.
લાગતાં વળગતા કહે છે : આ સમિતિ જંત્રીના નવા દરો અંગે સ્ટેક હોલ્ડરો સાથે વાતચીત કરે, ભલામણ રિપોર્ટ તૈયાર કરે અને પછી સરકાર આ ભલામણ રિપોર્ટનો અમલ કરે તો જ વાત બની શકે. અત્રે એ પણ નોંધનીય છે કે, 2011 માં જંત્રી નક્કી કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઘણાં એવાં વિસ્તાર છે, ઘણી એવી જમીનો છે, જેની જંત્રી આજની તારીખે નક્કી કરવામાં આવી નથી ! 15 એપ્રિલથી આવી જમીનોનું શું ?!
આ પ્રકારના કેટલાંક અન્ય પ્રશ્નો પણ છે. દાખલા તરીકે બિલ્ડર અને ડેવલોપર લોબી ઈચ્છે છે કે, જમીનોનું વેલ્યુએશન કરવા અલગથી વિભાગ હોવો જોઈએ. જે સ્ટેમ્પ ડયુટી વિભાગમાં પણ શરૂ કરી શકાય. આ વિભાગ રોજેરોજ નાં દસ્તાવેજો પર નજર રાખી શકે. જૂનાં દસ્તાવેજોનાં કિસ્સાઓમાં પણ આ વિભાગ મોનિટરીંગ કરી શકે. હાલમાં સરકારમાં આવો કોઈ વિભાગ જ નથી !
સરકારે જંત્રીના નવા દરોનો અમલ પાછો ઠેલતા બિલ્ડર અને ડેવલોપર લોબીને પ્રથમ ચરણમાં આ લડાઈમાં સફળતા મળી હોય, હવે આ લોબીએ વધુ આંગળી ખૂંચાડવાનુ શરૂ કર્યું છે. લોબી કહે છે, FSI પ્રીમિયમ અને શરતફેર પ્રીમિયમ માટે ચોક્કસ રકમ નક્કી થવી જોઈએ. ટૂંકમાં, તે જંત્રી આધારિત ન હોવું જોઈએ. હાલમાં રાજ્યનાં આઠ મહાનગરોમાં તથા આઠ વિસ્તાર વિકાસ સત્તામંડળનાં વિસ્તારોમાં પેઈડ FSI નાં કિસ્સાઓમાં જંત્રીના 40 ટકા લેખે તથા નવી શરતમાંથી જૂની શરતમાં જમીનનાં ટ્રાન્સફરનાં કિસ્સાઓમાં જંત્રીના 40 ટકા લેખે પ્રીમિયમ વસૂલવામાં આવે છે. આ રકમ બિલ્ડર અથવા ડેવલપરે ભરવાની હોય છે.
15 એપ્રિલથી જંત્રીના દરો બમણાં થનાર હોય બિલ્ડર અને ડેવલોપર લોબી ઈચ્છે છે કે, પેઈડ એફ.એફ.એસ.આઈ.નાં કિસ્સાઓમાં પ્રીમિયમ 40 ને બદલે 20 ટકા કરવામાં આવે અથવા જંત્રી સાથે લિન્ક દૂર કરી ફિક્સ રકમ નક્કી કરવામાં આવે. આ ઉપરાંત જે પ્રોજેક્ટ ‘રેરા’ માં મંજૂર કરવામાં આવ્યા હોય, તે પ્રોજેક્ટમાં જંત્રીના જૂના દરો યથાવત્ રાખવા પણ માંગણી થઈ છે. કેમ કે, આવાં પ્રોજેક્ટમાં પ્રતિ યુનિટ કોસ્ટ અગાઉથી નક્કી થઈ ગઈ હોય, દસ્તાવેજ સમયે વધારાની જંત્રી કોણ ભરે ?! આવા પ્રોજેક્ટ બિલ્ડર અને ડેવલોપર લોબીને મોંઘા પડી જાય. આથી, આ પ્રકારના મામલા પણ સરકારે જુદી રીતે નિપટાવવા પડશે એમ બિલ્ડર અને ડેવલોપર લોબી કહે છે. ટૂંકમાં,15 એપ્રિલ પહેલાં જો આ પ્રકારના પ્રશ્નોનું સમાધાન ન થાય તો,15 એપ્રિલે ફરીથી બિલ્ડર અને ડેવલોપર લોબી તથા સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાશે.