Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં ત્રીજી લહેર વચ્ચે એકાએક કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધવા લાગી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત ને સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, કહેવાય કે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો છે. હાલ દૈનિક 2500 જેટલા જ કેસ આવી રહ્યા છે. એવામાં 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ સહિતનાં નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આવતીકાલ સુધીમાં નવી ગાઇડલાઇન્સ આવી શકે છે. આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાના ઘટી રહેલા કેસોની સમીક્ષા અને નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.
કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાઈ શકે છે, જેમાં નાઇટ કર્ફ્યૂ 10થી સવારના 6 વાગ્યાને બદલે 11 થી સવારના 5 વાગ્યા સુધી અને કેટલાંક શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે.હાલ રાજ્યના 8 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે. તો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતાં 19 નગરમાં પણ નાઇટ કર્યૂતોની અમલવારી થઇ રહી છે.ત્યારે હવે આવતીકાલ સુધીમાં સરકારની નવી SOPમાં શું રાહત સામાન્ય લોકો વેપારીઓને મળે છે તે જોવાનું છે.