Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષા રદ થતા મોટો હોબાળો મચ્યો હતો. જો કે અનેક વિવાદ બાદ બુધવારે નીતિન પટેલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે સચિવાલયમાં બેઠક કરી હતી. બેઠક બાદ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી કે સામાન્ય વહીવટી વિભાગની સૂચનાના આધારે પરીક્ષા રદ કરવામાં આવી હતી, જો કે વિવિધ વર્ગોમાંથી રજૂઆત મળતા અમે નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીના ભાવી સાથે ચેડા ન થાય તે માટે જે પરીક્ષા 20-10-019ના રોજ યોજાનાર હતી તે હવે 17-11-2019ના રોજ યોજાશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે 70 હજારથી વધુ યુવાન-યુવતીઓની ભરતી કરી છે. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને મળે તે માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે, સરકારે ભરતી કાપ દૂર કરી 3771 જગ્યાઓ ભરવા ગૌણ સેવા પસંદગી મંડળને જવાબદારી સોંપી છે. ઇડબ્લ્યુ એસમાં બિન અનામત વર્ગની જગ્યાઓ ભરવાનું માગણપત્ર મંગાવ્યું હતું. જીએડીના પરિપત્રના આધારે પરીક્ષા રદ કરાઈ હતી. જો કે પ્રજાની નાડ અને લાગણી સમજીને પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. નીતિન પટેલે કહ્યું કે 10 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા તૈયાર કરી હતી આથી તેમના ફાયદામાં માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે.
12 પાસ ઉમેદવારને એક તક અપાઇ
નીતિન પટેલે જણાવ્યું કે જે પ્રમાણે જાહેરાત કરાઇ હતી એજ પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે, એટલે ધોરણ 12 પાસ ઉમેદવારને એક તક આપવામાં આવશે. તો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું કે 20 તારીખે યોજાનારી પરીક્ષા હવે 17-11-2019ના રોજ યોજાશે, આ માટે ઉમેદવારોએ નવા કોલ લેટર કે નવું ફોર્મ ભરવું નહીં પડે. અગાઉના જ કોલ લેટર સાથે તે પરીક્ષા આપી શકશે. તો જે નક્કી કરાયેલા 3171 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે અને મેરીટ મુજબ ઉમેદવારોની પસંદગી કરાશે.