Mysamachar.in-સુરત:
જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં મકાનોની ખરીદી ખૂબ મોંઘી પડી રહી હોય, આ ખરીદીઓ ઘટી રહી છે, બીજી તરફ મકાનો ખરીદવા લાખો લોકો લોન્સ લઈ રહ્યા હોય, લોકો પરનો દેણાંનો ડુંગર મોટો બની રહ્યો છે. હવે આ ક્ષેત્રમાં નવો ડામ આવી રહ્યો છે. મકાનો ખરીદવા વધુ મોંઘા થશે, કારણ કે સરકાર જંત્રીના દર ફરી વધશે. થોડાં મહિનાઓ અગાઉ જ જંત્રીના દર બમણાં કરી નાંખવામાં આવેલાં, એ પણ સૌને યાદ હશે.
ગુજરાતમાં 2011માં જંત્રી દર વધ્યા બાદ, ગત્ વર્ષે સરકારે આ દર બમણાં કરી નાંખેલા, હવે ફરીથી જંત્રી દર વધશે. મુખ્યમંત્રીએ સુરતમાં બિલ્ડર્સ અને ડેવલપરની રાજ્યની સૌથી મોટી સંસ્થા ક્રેડાઈ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં CM એમ પણ બોલ્યા હતાં કે, ઘણાં દસ્તાવેજ બજારદરે થઈ રહ્યા છે. જ્યાં ખરેખર તો જંત્રીદર ઓછાં હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ ચૂંટણીઓ અગાઉ જ સરકારે સંકેત આપી દીધો હતો કે, ચૂંટણીઓ બાદ જંત્રીદર વધશે. હવે એ તૈયારીઓ થઇ ગઇ છે. બિલ્ડર્સ અને ડેવલપર કહે છે: હવે જંત્રીદર વધશે તો આ ક્ષેત્રમાં નાણાંકીય લેવડદેવડ ખોરવાઈ જશે, બજાર પર તેની અસરો પડશે. લોકો મકાનો અને મિલકતોના જે દસ્તાવેજ કરી રહ્યા છે, તેમાં પણ ખર્ચ બમણો થઈ જશે. ઘણાં વિસ્તારોમાં એવું પણ બને કે, જંત્રીદર બમણાંથી માંડી પાંચ ગણાં સુધી વધી શકે છે.
જે જમીનો અને મિલકતો આસપાસ સુવિધાઓ અને ધંધાકીય એકમો વધારે હશે, મનોરંજન પ્રવૃતિઓ વધુ થતી હશે, બજારો નજીક હશે, તેવી મિલકતો અને જમીનોની જંત્રીના દરો, આ વખતે 3 થી 5 ગણાં વધી શકે છે. આથી આવી મિલ્કતો અને જમીનોની લેવડદેવડ વધુ મોંઘી થઈ જશે. બિલ્ડર્સ જમીનો ખરીદશે ત્યારે સરકારમાં ભરવાની રકમ બમણી કે તેથી પણ વધુ થઈ જશે. સરવાળે, મકાનો અને મિલકતો ખરીદનારાઓએ હવે ચિક્કાર નાણું ખર્ચ કરવું પડશે. ફૂગાવો એકદમ વધી ગયો છે. રૂપિયાની વેલ્યુ સતત ઘટી રહી છે. કાળા નાણાંનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વળી, સરકાર FSI પણ ઉંચા દરે વેચી રહી હોય, 3-5માળની ઈમારતોની સરખામણીએ વધુ માળ ધરાવતી ઈમારતોમાં આવેલાં ફ્લેટ, દુકાનો અને ઓફિસોની કિંમતોમાં વધુ ઉછાળો આવશે. આ પ્રકારની સ્થિતિને કારણે મકાનો માટેની બેંક લોન્સ અને વ્યાજખર્ચ અને તેથી EMI પણ સતત વધતાં રહેશે. જેની અસરો બજાર પર પડી રહી છે, લોકો જમીન કે મિલકતો ખરીદતાં પહેલાં દસ વખત વિચાર કરી રહ્યા છે. પરિણામે, મિલકતોનું ઓલઓવર વેચાણ ઘટી રહ્યું છે. ખાલી પડેલી મિલકતોની સંખ્યા પણ વધી રહી છે. જો કે, આમ છતાં ઉંચી પડતર અને ફુગાવા જેવા કારણોસર મિલકતોના ભાવો ઘટી નથી રહ્યા, સ્થિર પણ નથી, વધી રહ્યા છે, સતત.