Mysamachar.in-રાજકોટ:
સરકારી અધિકારીઓને પેટ ચોળીને શૂળ ઉભું કરવાની આદત અથવા કુટેવ હોય છે, એવું ભૂતકાળમાં અનેકવખત સામે આવ્યું છે. સરકારને વ્હાલાં થવા વધુ એક અધિકારીએ આવો પ્રયાસ કરતાં શિક્ષણજગતમાં નવો વિવાદ શરૂ થયો છે. આ મામલો ઘેલા સોમનાથ ઉત્સવ સંબંધિત છે પરંતુ સમગ્ર રાજ્યના શિક્ષણજગતમાં આ બાબતે ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
વાત અને વિવાદ એ છે કે, રાજકોટ જિલ્લાના જસદણના નાયબ કલેક્ટર(SDM)ની સહીથી એક હુકમ બહાર આવ્યો છે. આ હુકમમાં કહેવાયું છે કે, 25 જૂલાઈથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આખા શ્રાવણ માસ દરમ્યાન શ્રી ઘેલા સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓની ભીડ રહેશે. અહીં લોકમેળો, લોકડાયરો, શિવકથા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. જેથી અહીં વહીવટી કામગીરીઓ મોટાં પ્રમાણમાં રહેશે. આ કામગીરીઓને પહોંચી વળવા 25 જૂલાઈથી 23 ઓગસ્ટ દરમ્યાન આશરે 48 જેટલાં શિક્ષકો અને શિક્ષકો ઉપરાંતના અન્ય કર્મચારીઓને પણ જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં મુખ્ય જવાબદારીઓ એ છે કે, અહીં ઘેલા સોમનાથ મંદિરે જે VVIP આવે તે તમામની ભોજન સંચાલનની કામગીરીઓમાં આ શિક્ષકો સહિતના કર્મચારીઓએ નિભાવવાની રહેશે. આ હુકમ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન હજારો લોકો આવતાં હોય છે. VVIP પણ આવતાં હોય છે. જેમને જવાબદારીઓ સોંપવામાં આવી છે તેમાં શિક્ષકો, તાલુકા શિક્ષણ અધિકારી અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. જો કે આ તઘલખી ફરમાન કરનાર અધિકારી રાહુલકુમાર એમ કહે છે કે, આ જવાબદારીઓ સ્વૈચ્છિક છે. શાળાના સમય સિવાયના સમયની જવાબદારીઓ છે. શિક્ષણને કોઈ અસરો નહીં થાય.
જો કે રેકર્ડ પર આવી કોઈ સ્પષ્ટતાઓ હુકમમાં કરવામાં આવી નથી. તેનો અર્થ એમ થઈ શકે કે, અધિકારીઓ શિક્ષકો સહિતના કર્મચારીઓ પાસે પોતાની મરજી મુજબ કામો કરાવશે. આ પ્રાંત ઓફિસર તો એવો પણ દાવો કરી રહ્યા છે કે, શિક્ષકોએ ખુદે આ જવાબદારીઓ ઉઠાવવા સામેથી તૈયારીઓ દેખાડી છે. બીજી તરફ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા કહે છે: શિક્ષકો પર અગાઉથી જ ઘણી જવાબદારીઓ છે. શિક્ષકો પર કામગીરીઓનો બોજ ઓછો કરવા અમારી રજૂઆત પણ છે. અને, ઉપરોકત હુકમમાં કયાંય સ્વૈચ્છિક સેવાઓ એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો નથી.
આમ આ હુકમ સામે સવાલો ઉઠ્યા છે. હુકમ રદ્દ કરવા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માંગ પણ કરી છે. સંઘે કહ્યું છે, શિક્ષણ બાબતે સરકારે ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. શૈક્ષિક સંઘે પણ આ હુકમનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ હુકમ તાત્કાલિક રદ્દ કરવાની માંગ પણ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં શિક્ષકોને વાડીખેતરો અને સીમમાંથી તીડ ઉડાડવાની હાસ્યાસ્પદ કામગીરીઓ પણ સોંપવામાં આવી હતી.(file image source:google)