Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદના ખ્યાતિકાંડને કારણે ઘણાં સપ્તાહોથી સમગ્ર રાજ્યમાં PMJAY યોજના અને આયુષ્યમાન કાર્ડ મામલે ગાજવીજ થઈ રહી છે. ધરપકડો થઈ રહી છે, આરોપીઓ રિમાન્ડ પર લેવાઈ રહ્યા છે, તપાસમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. સમગ્ર રીતે જોઈએ તો સરકારનો આરોગ્યવિભાગ ચર્ચાઓમાં છે અને કેટલીક ગેરરીતિઓ પણ બહાર આવી રહી છે.
રાજ્યમાં શિક્ષણના ક્ષેત્રમાં જે રીતે વર્ષોથી બબાલો ચાલી રહી છે એ જ રીતે, અમદાવાદના ખ્યાતિકાંડ બાદ હવે રાજ્યનું આરોગ્યતંત્ર પણ મોટા વિવાદોમાં સપડાયું છે. એમાંયે ખાસ કરીને PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલોના સંચાલકો ગેરરીતિઓ આચરી કરોડો રૂપિયા સરકારમાંથી કટકટાવી રહ્યા છે, એ મુદ્દે મોટો ઉહાપોહ મચી ગયો છે. અધૂરામાં પૂરૂં નકલી આયુષ્યમાન કાર્ડનો મામલો સામે આવતાં અદાલતે આ બાબતે આકરૂં વલણ અખત્યાર કર્યું.
ખ્યાતિકાંડમાં હજુ તો પ્રાથમિક તપાસ ચાલે છે ત્યાં જ એવો ઘટસ્ફોટ થયો કે, PMJAY યોજનામાં મોટા કુંડાળાઓ આચરવા આરોપીઓએ 1,500 જેટલાં બોગસ આયુષ્યમાન કાર્ડ પણ બનાવી લીધાં. આ તો માત્ર એક કૌભાંડની વિગતો છે. આખા રાજ્યમાં આ યોજનાનો ગેરલાભ કેટલાં મોટા પ્રમાણમાં લેવાતો હશે, એ કલ્પનાનો વિષય બની ગયો.

હાલમાં બોગસ આયુષ્યમાન કાર્ડ મામલે 3 આરોપીઓની ધરપકડ થઈ છે, 3-3 દિવસના રિમાન્ડ મંજૂર થયા. તેમના મોબાઈલ તથા લેપટોપમાંથી અમુક ડીલીટ ડેટા રિકવર કરવાના પ્રયાસ ચાલુ છે. અત્યાર સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આ કૌભાંડીઓએ beneficiary.nha.gov. ની ખામીઓનો ભરપૂર ગેરલાભ લીધો. વેબસાઈટ પર સોર્સ કોડ સાથે ચેડાં કરવામાં આવ્યા. આ તમામ આરોપીઓ જુદા જુદા પોર્ટલ પરથી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતા હતાં.
આ સમગ્ર કૌભાંડમાં આરોગ્ય વિભાગના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તેની તપાસ હજુ બાકી છે. દરમ્યાન, અદાલતમાં ચર્ચાઓનો મુદ્દો એ છે કે, ખ્યાતિકાંડને કારણે જે તપાસ થઈ રહી છે તે દરમિયાન આ બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવ્યું છતાં આ કૌભાંડ મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખ્યાતિ હોસ્પિટલને શા માટે બચાવી રહી છે? તેનું નામ કેમ કયાંય નથી?
બોગસ આયુષ્યમાન કાર્ડના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતી વખતે અદાલતે કહ્યું: બોગસ આયુષ્યમાન કાર્ડ બનતા રોકવાની જવાબદારીઓ સરકારની પણ છે. અને આ કાર્ડ માટે સરકારે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે કંપનીને પણ આ કેસમાં આરોપી બનાવવી જોઈએ. બોગસ આયુષ્યમાન કાર્ડ રૂ. 1,500-2,000 માં લાભાર્થીઓને વેચવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિકાંડના ચિરાગ રાજપૂતનો પણ રોલ છે. સરકારે કાર્ડના એપ્રુવલ માટે જે કંપનીને ઓથોરટી આપી છે, તેનો હેડ નિખિલ પારેખ બોગસ આયુષ્યમાન કાર્ડના આરોપીઓ પાસેથી દર મહિને નાણાં વસૂલતો હતો. જે કાર્ડ કાઢવામાં 3-4 દિવસ લાગે, તે કાર્ડ આ આરોપીઓ માત્ર 15 મિનિટમાં બનાવી આપતાં હતાં.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જે ખાનગી અથવા ટ્રસ્ટની હોસ્પિટલો PMJAY યોજનામાં NABH માન્યતા ધરાવે છે, તે હોસ્પિટલોના ઓડિટ રિપોર્ટ મામલે પણ આરોગ્યવિભાગમાં મોટી ઘાલમેલ ચાલતી હોવાની આશંકાઓ વહેતી થઈ હોય, આગામી સમયમાં આ મામલો ગાજવાની અને તપાસ શરૂ થવાની પણ સંભાવનાઓ સપાટી પર આવી છે.