Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે, દેશભરમાં કુલ 7 તબક્કાઓમાં મતદાન આયોજિત કરવામાં આવ્યું છે. જે પૈકી મતદાનના 2 તબક્કાઓ તો પૂર્ણ પણ થઈ ગયા છે. દરમિયાન, સુપ્રિમ કોર્ટના એક હુકમના અનુસંધાને દેશના ચૂંટણીપંચ દ્વારા તા.01-05-2024 થી ચૂંટણીઓ સંબંધિત કેટલાંક પ્રોટોકોલમાં સુધારાઓ કરવામાં આવ્યા છે.
આ સુધારાઓ અમલમાં મૂકવા માટે દેશના ચૂંટણીપંચ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવ્યું છે, જે પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યાદીમાં પંચે જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલાં આદેશ અનુસંધાને આ ફેરફાર જાહેર કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ ચૂંટણીપંચને આ આદેશ આપ્યો હતો. કેમ કે, સુપ્રિમ કોર્ટમાં 2023માં એક અરજદાર દ્વારા સિવિલ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને આવી પડેલાં આદેશ બાદ ચૂંટણીપંચે આ સંશોધન કર્યું અને અમલમાં મૂકયું.
ચૂંટણીપંચ જણાવે છે કે, દરેક મુખ્ય ચૂંટણી અધિકારીને કહેવામાં આવ્યું છે: સિમ્બોલ લોડિંગ યુનિટના સંચાલન અને સ્ટોરેજ માટે નવો ચૂંટણી પ્રોટોકોલ લાગુ કરવા જરૂરી પ્રાથમિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહેશે અને તે માટેના નિયમો બનાવવાના રહેશે અને તે નિયમોનું પાલન કરાવવાનું રહેશે. ચૂંટણીપંચ આગળ જણાવે છે કે, VVPAT માં ચૂંટણી પ્રતીકો લોડ કરવાનો દિવસ પહેલી મે અથવા તે પછીનો કોઈ પણ દિવસ હોય તો તે કિસ્સાઓમાં આ નવો પ્રોટોકોલ લાગુ કરવાનો રહેશે.
SCના જસ્ટિસ ખન્નાએ પોતાના ચુકાદામાં ચૂંટણીપંચને કહ્યું: મતદાન બાદ EVMમાં પ્રતીક લોડિંગ કરતું સ્ટોર લોડિંગ યુનિટ (SLU) 45 દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એટલે કે 45 દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ ચૂંટણી પરિણામને તે રાજ્યની વડી અદાલતમાં કાનૂની પડકાર આપવાનો અધિકાર ધરાવે છે. એટલે EVM અને VVPAT પરચીઓ 45 દિવસ માટે સુરક્ષિત રાખવામાં આવે છે. અદાલત આ રેકોર્ડ માંગી શકે છે અને ચૂંટણીપંચે આ વિગતો અદાલતમાં આપવાની થતી હોય છે.
આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું કે, ચૂંટણી પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર માઈક્રો કંટ્રોલરનું વેરિફિકેશન અદાલતના આદેશથી કરી શકાતું હોય છે, જે માટે એડવાન્સ ફી ભરવી પડે. જો આ વેરિફિકેશનમાં એમ જાહેર થાય કે, EVM સાથે છેડછાડ થઈ છે, તો આ ફી પંચે અરજદારને પરત આપવી પડે.
લોકસભા ચૂંટણીઓનું ત્રીજા તબક્કાનું મતદાન 7 મે ના રોજ છે, જેમાં ગુજરાતની 26 પૈકી 25 બેઠક સહિત વિવિધ રાજ્યોની કુલ 94 બેઠક પર મતદાન થશે. ચોથા તબકકામાં 13મે એ 96 બેઠક, પાંચમા તબક્કામાં 20મે એ 49 બેઠક, છઠ્ઠા તબક્કામાં 25મે એ 57 બેઠક અને સાતમા તબક્કામાં 1 જૂને 57 બેઠક પર મતદાન થશે. 4 જૂને દેશભરમાં મતગણતરી થશે.