Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યના સહકારી ક્ષેત્રમાં આગામી સમયમાં, ખાસ કરીને ભરતીઓ બાબતે પારદર્શિતા આવશે એવું દેખાઈ રહ્યું છે. રાજ્યની વડી અદાલતમાં જાહેર હિતની એક અરજી દાખલ થતાં, ગુજરાત સરકાર અને રજિસ્ટ્રારને નોટિસ મોકલવામાં આવી છે.
રાજ્યની હજારો સહકારી મંડળીઓ, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ, અર્બન કો-ઓપરેટિવ બેંકો સહિતની સહકારી સંસ્થાઓના લાખો કર્મચારીઓને અસર કરે એવી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં દાખલ થઈ છે. જેમાં અરજદાર દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં 81,000 સહકારી મંડળીઓ છે, 350 જેટલી નિર્દિષ્ટ સહકારી મંડળીઓ છે, 186 જેટલી શહેરી સહકારી બેંક છે અને અન્ય સહકારી સંસ્થાઓ છે. જેમાં લાખો કર્મચારીઓ નોકરી કરે છે.
અરજીમાં કહેવાયું છે કે, સહકારી કાયદાની કલમ-76માં જોગવાઈઓ હોવા છતાં, આવી સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતીઓ માટે સરકારે કોઈ નિયમો કે શરતો રાખી નથી. લાગવગ, સગાવાદ અને મામકાવાદ ચાલી રહ્યો છે. આથી કર્મચારીઓની નિમણુંકમાં પારદર્શિતા અને એકસૂત્રતા જળવાતી નથી. આથી સરકારે આ માટે તાકીદે નિયમો ઘડવા જોઈએ.
ગુજરાત રાજ્ય સહકારી કાયદાની કલમ-156 હેઠળ સરકારે રાજ્યમાં કો-ઓપરેટિવ કાઉન્સિલની રચના કરવી જોઈએ. રાજ્યના સહકાર પ્રધાન આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. આ ઉપરાંત એપેક્સ સોસાયટીના ચેરમેન, 3 ધારાસભ્ય અને કૃષિ તથા સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ કાઉન્સિલની રચનામાં સમાવવાના હોય છે. ગુજરાતમાં વર્ષો અગાઉ આ કાઉન્સિલની રચના માટે એક પરિપત્ર જાહેર થયેલો. વાસ્તવિક રીતે રાજ્યમાં આવી કોઈ જ કાઉન્સિલ કાર્યરત નથી. કાગળ પરની આ કાઉન્સિલની વર્ષોથી કોઈ બેઠક યોજાઈ નથી, કોઈ કાર્યવાહીઓ થઈ નથી, આથી તાકીદે આ કાઉન્સિલને કાર્યરત કરવી જોઈએ એવી પણ માંગ જાહેર હિતની આ અરજીમાં થઈ છે.(file image:google)