Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટદ્વારકા જવા માટે રાજ્ય સરકાર સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરી રહી છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ આ જિલ્લાની મુલાકાત લીધી ત્યારે આ બ્રિજની નિર્માણ કામગીરીની સમીક્ષા કરી હતી. જો કે, CAG નાં લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ બ્રિજનું નિર્માણ યોગ્ય મંજૂરી મેળવ્યા વિના કરવામાં આવી રહ્યું છે. આ માટે નિયમાનુસાર, પર્યાવરણ મેનેજમેન્ટ સેલની રચના પણ કરવામાં આવી નથી, એમ રિપોર્ટમાં જણાવાયું છે.
ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલાં CAG નાં રિપોર્ટમાં જણાવાયું છે કે, આ બ્રિજનું નિર્માણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને સ્ટેટ પર્યાવરણ એસેસમેન્ટ ઓથોરિટીની મંજૂરી પછી શરૂ કરી દેવામાં આવ્યું છે. ખરેખર આ આખો વિસ્તાર ઈકોલોજિકલ સેન્સિટીવ વિસ્તાર જાહેર થયેલો હોય, આ બ્રિજનું નિર્માણ શરૂ કરતાં પહેલાં નિયમ મુજબ કમ્પોઝિટ કરિયરન્સ મંજૂરી મેળવવી પડે, જે આ કિસ્સામાં મેળવવામાં આવી નથી.
આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં માર્ગ અને મકાન વિભાગ(જામનગર)એ પર્યાવરણીય મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે કવોલિફાઈડ અધિકારીનાં નેતૃત્વ હેઠળ એક સ્વતંત્ર પર્યાવરણીય મેનેજમેન્ટ સેલ રચવું ફરજિયાત હોય છે. આ સેલે બ્રિજ નિર્માણ દરમિયાન પર્યાવરણીય અસરોનો અભ્યાસ કરવાનો હોય છે. ઓખા અને બેટદ્વારકા વચ્ચેનાં આ બ્રિજના કિસ્સામાં આ પ્રકારના સેલની રચના કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, આ બ્રિજનું નિર્માણ જામનગરની માર્ગ અને મકાન કચેરી હસ્તક છે.