Mysamachar.in-અમદાવાદઃ
આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઇ રહી છે, જે 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 10 દિવસની આ નવરાત્રિમાં 7 શુભ યોગ રહેશે. જેમાં 25 જાન્યુઆરીએ સર્વાર્થસિદ્ધિ યોગ, 26 જાન્યુઆરીએ દ્વિપુષ્કર યોગ, 28 જાન્યુઆરીએ રવિયોગ, 29 જાન્યુઆરીએ રવિયોગ, 30 જાન્યુઆરીએ સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ, 31 જાન્યુઆરીએ સર્વાર્થસિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિયોગ અને 03 ફેબ્રુઆરીએ રવિયોગ રહેશે. આ શુભ દિવસોમાં ખરીદારી, લેવડ-દેવડ અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવતાં કાર્યો સિદ્ધ થાય છે.
ગુપ્ત નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું
ગુપ્ત નવરાત્રિમાં મોટાભાગે સાધક દેવીની આરાધના કરી વધારેમાં વધારે લાભ-પુણ્ય કમાવાનો પ્રયાસ કરે છે. ગુપ્ત નવરાત્રિના દિવસો તંત્ર-મંત્ર સિદ્ધિ માટે સર્વશ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. અનેક સાધક આ દિવસે દસ મહાવિદ્યાઓની સાધના કરે છે. આ સાધનાઓથી જીવનની પરેશાનીઓનો અંત થાય છે અને અન્યની ભલાઈનું કામ પણ કરી શકાય છે. આ નવરાત્રિમાં માનસિક પૂજાનું મહત્ત્વ છે. ગુપ્ત નવરાત્રિ માત્ર તાંત્રિક વિદ્યા માટે હોય એવો કોઇ નિયમ નથી. આ નવરાત્રિમાં કોઇપણ વ્યક્તિ સાધના કરી શકે છે, પરંતુ થોડી સાવધાની રાખવી જરૂરી છે. દસ મહાવિદ્યાઓની પૂજા સરળ નથી. નવ દિવસ માટે કળશની સ્થાપના કરી શકાય છે. જો કળશની સ્થાપના કરવામાં આવી છે તો દિવસમાં બે વાર મંત્ર જાપ, દુર્ગા ચાલીસા કે સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. બંને જ સમયે આરતી કરવી. દિવસમાં બે વાર માતાને ભોગ ધરાવો જોઇએ. માતા માટે લાલ ફૂલ સર્વોત્તમ મનાય છે. આકડો, મદાર, દૂર્વા ઘાસ અને તુલસી ચઢાવવા જોઇએ નહીં.