Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની તથા રાજપુત આગેવાન અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. ભાતેલ ગામે આવેલા શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે તેમના દ્વારા સતત બારમાં વર્ષે અનુષ્ઠાન તેમજ આઠમના હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. દ્વારકા શારદાપીઠના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અહી મંત્રોનું અનુષ્ઠાન કરવામાં આવે છે. જેમાં દરરોજ ભાતેલ ઉપરાંત ખંભાળિયા અને જામનગર સહિતના સ્થળોએથી આગેવાનો તેમજ ધર્મપ્રેમી ભક્તો જોડાય છે.
– આઠમના દશાંશ યજ્ઞ: 11 લાખ મંત્રોનો જાપ થશે –
આશાપુરા માતાજીના સાનિધ્યમાં દરરોજ મંત્ર જાપ કરવામાં આવે છે. જે 11 લાખ મંત્રો નવરાત્રીમાં પૂર્ણ થશે. આ સાથે તેનો દશાંશ યજ્ઞ શુક્રવાર તારીખ 11 ના રોજ આઠમના દિવસે થશે. આ યજ્ઞમાં બિલ્વ ફળની આહુતિ અપાશે. છેલ્લા 12 વર્ષથી હકુભા જાડેજા દર વર્ષે અહીં નવરાત્રી અનુષ્ઠાન સાથે હવન કરે છે. અહીં દરરોજ નવરાત્રીના તમામ નવ દિવસો દરમિયાન અવિરત અનુષ્ઠાન, પાઠ, મંત્રજાપ થાય છે. સાથે સાથે રાત્રે નવરાત્રીની ગરબી પણ યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાય છે.(તસ્વીર કુંજન રાડિયા)