Mysamachar.in-જામનગર:
કેટલાંક લોકો એમ કહે છે કે, હવે ઋતુઓના પણ કોઈ જ ઠેકાણાં નથી. કેટલાંક લોકો એમ પણ કહે છે કે, માણસની રહેણીકરણી કુદરત વિરોધી બની ચૂકી હોય, અજીબ પ્રકારનું કલાયમેટ ચેન્જ અનુભવવા મળી રહ્યું છે. અને, વચ્ચે વચ્ચે અલ-નીનોની રામાયણો પણ વંચાઈ રહી છે. કુલ મિલાકે વાત એ છે કે, હવામાન હવે કેલેંડર આધારિત નથી, વિદેશોની જેમ આપણે પણ હવે હવામાન વિભાગની સતત અપડેટ થતી આગાહીઓ પર નજર રાખવી જ પડશે.
હાલમાં કુદરતનું કોમ્બો પેક લોકોને ભેટમાં આપવામાં આવ્યું છે. ગત્ શુક્રવારે રાજ્યમાં ઉનાળો હતો. શનિવારે રાજ્યના 91 તાલુકામાં ચોમાસુ વરસ્યુ. અને, કેટલાંક તાલુકાઓમાં છાંટણા પણ થયા. જેને પગલે રવિવારે સમગ્ર રાજ્યમાં વધુ એક ઠંડીની ચાદર પથરાઈ ગઈ. 72 જ કલાકમાં ત્રણ ઋતુનું કોમ્બો પેક ઓફર કરીને કુદરતે સૌને અચરજ કરાવી દીધું. ક્યાંક રેઈનકોટ ફરી બહાર કાઢવાનો લોકોને વિચાર આવ્યો અને રમૂજો પણ થઈ અને ક્યાંક લોકોએ ગરમ વસ્ત્રો ફરી એક વખત બહાર કાઢી લીધાં.
હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી કે, આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. દરમિયાન, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનના આંકડાઓ નીચા આવી રહ્યા છે. જામનગરના આંકડાઓ કહે છે: પાછલાં ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી ઘટી 12 ડિગ્રી નોંધાયુ છે. એ જ રીતે, મહત્તમ તાપમાન પણ 3.5 ડિગ્રી ઘટી આજે 24.5 થયું. આજે સવારે પણ ઠંડી અનુભવાઈ હતી અને બપોરે ધોમ તડકા સમયે પણ ઠંડા પવનો શહેરમાં ઘૂમી રહ્યા હતાં.





