Mysamachar.in-વડોદરા:
દેશભરમાં પ્રચારમાં જેને ગેમ ચેન્જર પોલિસી લેખાવવામાં આવી રહી છે, એ પોલિસી જાહેર થયાના 4 વર્ષ બાદ પણ પોલિસીના લાભાર્થીઓ પૈકી ઘણાં બધાં લોકો આ પોલિસીથી જ અજાણ હોય, એ શક્ય છે ? એક સ્ટડીમાં દાવો થયો છે કે, હા આમ શક્ય છે. આજથી ચાર વર્ષ અગાઉ દેશમાં નવી નેશનલ એજયુકેશન પોલિસી NEP-2020 જાહેર થઈ હતી. આજે ચાર વર્ષ પછી, ગુજરાતના 43 ટકા વિદ્યાર્થીઓને આ પોલિસી અંગે જાણકારીઓ નથી. એક સ્ટડી આમ કહે છે. આ અભ્યાસ જુદાં જુદાં મુદ્દાઓને લઈને કરવામાં આવેલો. આ સર્વેમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલું કે, આ નવી શિક્ષણ નીતિ તમારાં માટે શું નવી લાવી રહી છે, તેનો તમને ખ્યાલ છે?
આ સ્ટડી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી અને ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં જે છાત્રોને આવરી લેવામાં આવ્યા હતાં તે પૈકી ચોથા ભાગના છાત્રોને તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શું છે, એ જ ખબર નથી એવું ધ્યાન પર આવતાં સંશોધકો ચિંતાઓ કરી રહ્યા છે.
2020ની 29 જૂલાઈએ કેન્દ્ર સરકારે દેશભરમાં NEP દાખલ કરી, 43 ટકા છાત્રોને NEPનું આખું નામ પણ ખબર નથી. આ શિક્ષણ નીતિના પ્રચારમાં એમ કહેવાય રહ્યું છે કે, આ નીતિ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ધરાવે છે અને દેશની જરૂરિયાતોને એડ્રેસ કરી રહી છે. પરંતુ ખુદ છાત્રો આ નીતિથી અજાણ. ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓમાં આ સ્ટડી કરવામાં આવ્યો હતો.
એક પ્રોફેસર કહે છે: કોઈપણ નીતિની સફળતાનો આધાર વિવિધ પરિબળોને આધીન હોય છે, જેમાં તે નીતિના સ્ટેક હોલ્ડર તે નીતિ અંગે કેટલી જાણકારીઓ ધરાવે છે તે મુદ્દા નો પણ સમાવેશ થતો હોય છે. ખુદ સ્ટેક હોલ્ડર નીતિના અંશો અંગે અજાણ હોય, તે કેવો મુદ્દો લેખાવી શકાય ?
આ સ્ટડીમાં છાત્રોને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેના જવાબો પરથી આ તારણો બહાર આવ્યા છે. આ સ્ટડીમાં 40.8 ટકા છાત્રો અને 59.2 ટકા છાત્રાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નો UG, PG અને Ph.D. કરી રહેલાં છાત્રો અને છાત્રાઓને પૂછવામાં આવ્યા હતાં. જે લોકો NEP-2020 વિષે જાણકારીઓ ધરાવતાં હતાં તે પૈકી અમુક લોકો જ નીતિના બધાં પાસાંઓ અંગે માહિતીઓ ધરાવતાં હતાં. ટૂંકમાં, NEP-2020 અંગે સંભવિત લાભાર્થીઓને ખુદને જાણકારીઓ નથી. હાલમાં શિક્ષણમાં 10+2+3 ની પદ્ધતિઓ છે. નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 ની સિસ્ટમ છે. પ્રથમ 5 વર્ષ ફાઉન્ડેશન, પછી 6 વર્ષ પ્રારંભિક અભ્યાસક્રમ અને છેલ્લાં 4 વર્ષ સેકન્ડરી અભ્યાસક્રમના છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ આ અંગે અજાણ છે.