Mysamachar.in-જામનગર:
જામનગરના એક કારખાનેદાર સાથે તેના જ મહેતાજી રમત રમી હોવાનું પોલીસ ફરિયાદ થતા સામે આવ્યું છે, બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરી છેતરપિંડીનો ચર્ચાસ્પદ મામલો જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા વેપારી સામે સમન્સ ઇસ્યુ કરતા ફરિયાદીની આંખો પહોળી થઇ ગઈ હતી
જામનગરમાં તિરુપતિ પાર્કમા રહેતા અને અગાઉ બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા પણ હાલ કર્મકાંડ કરતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડ્યા નામના વ્યક્તિએ પોતાના જૂના ધંધાના નામે બોગસ જી.એસ.ટી. ટ્રાન્ઝેક્શન કરી અંદાજે પાંચેક કરોડનું કૌભાંડ આચરવા અંગે પોતાને ત્યાં અગાઉ મહેતાજી તરીકે કામ કરતા રાજુભાઈ જગેટીયા મારવાડી વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ અગાઉ પોતાના પિતાની સાથે બ્રાસપાર્ટનું કારખાનું ચલાવ્યું હતું, પરંતુ 2020 માં તેણે પોતાની આ પેઢી બંધ કરી દીધી હતી, ત્યારે ફરિયાદીને જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતાં પોતે ચોકી ગયા અને પોતે તપાસ કરતાં સામે આવ્યું કે તેની જયારે પેઢી હતી ત્યારે અગાઉના મેતાજી રાજુભાઈ જજેટીયા તેણે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી કૈલાશ મેટલ ખાતે રિદ્ધિ સિદ્ધિ કાસ્ટિંગ નામની પેઢી જે બંધ હોવા છતાં તેને ફરી ચાલુ કરી ફરિયાદીની જાણ બહાર ખાનગી બેંકમાં ખાતુ ખોલાવવી રૂપિયા પાંચ લાખની લોન મેળવી લીધી હતી. જે લોનના પૈસાનો તેણે અલગ અલગ વ્યક્તિને ચુકવણું પણ કરી દીધું હતું. આ ઉપરાંત બેંકના ખોટા એકાઉન્ટ વખતે ધંધાકીય ડોક્યુમેન્ટ રજૂ કરીને ખોટી રીતે ક્રેડિટ ઇનપુટ મેળવી લીધા હતા, અને રૂપિયા પાંચેક કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલો પોતાને ધ્યાને આવતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે ફરિયાદ બાદ આરોપી રાજુભાઈને અટકાયત કરી લેવામાં આવી છે.