Mysamachar.in-અમદાવાદ:
લોકો એમ કહેતાં હોય છે કે, ગામડાંઓનો ચિક્કાર રૂપિયો ખરીદીઓ માટે શહેરોમાં ઠલવાતો હોય છે, જેને કારણે શહેરોમાં રોનક જોવા મળતી હોય છે. પરંતુ નાબાર્ડનો રિપોર્ટ કંઈક જુદું જ કહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સહિતના પરિવારોની માસિક આવક જ નોંધપાત્ર નથી, ખરીદીઓ કરે કેમ ?! અને, ગ્રામ્ય વિસ્તારોના 63 ટકા પરિવારો તો એવા છે કે, જેમની આવક જ એટલી ઓછી છે કે, ઈમરજન્સી ખર્ચ માટે તેઓ બચત પણ કરી શકતાં નથી.
દેશના ગ્રામ્ય વિસ્તારો પૈકી કેરળના ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં સૌથી ઓછાં માત્ર 35 ટકા પરિવારો બચત કરી શકે છે, ગુજરાતમાં આ આંકડો 37 ટકાનો છે. એટલે કે, કેરળ માફક ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો પણ ખાડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારોની માસિક આવક બહુ ઓછી છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સિવાયના પરિવારોની સરેરાશ માસિક આવક રૂ. 15,957 છે, ગુજરાત દેશમાં ટોપ 7 રાજ્યોમાં પણ નથી. અને, ખેડૂત પરિવારોની માસિક આવક રૂ. 16,759 છે, જેમાં ગુજરાત દેશના ટોપ 5 રાજ્યમાં નથી. દેશના 11 રાજ્યો એવા છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોના 70 ટકા કે તેથી વધુ પરિવારો બચત કરે છે. ગુજરાતમાં માત્ર 37 ટકા પરિવાર બચત કરી શકે છે. બચત મામલે ગુજરાત દેશમાં છેક 26મા ક્રમનું રાજ્ય છે.
આ રિપોર્ટ નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ( નાબાર્ડ)નો છે. ગ્રામ્ય વિસ્તારોની નાણાંકીય સધ્ધરતા માપવા આ રિપોર્ટ સરકારે તૈયાર કરાવ્યો છે, જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોનાં આંકડા નિરાશાજનક જોવા મળી રહ્યા છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં એક પરિવારનો માસિક સરેરાશ ખર્ચ માત્ર 14,654 રૂપિયા છે. પરિવારમાં 4-5 સભ્ય ગણો તો, આ પરિવારો ખર્ચ કરવાની દ્રષ્ટિએ ગરીબ છે, કારણ કે એમની પાસે આવક જ નથી.
પંજાબના ગ્રામ્ય વિસ્તારોના પરિવારો વર્ષે સરેરાશ 45,279 રૂપિયાની બચત કરી શકે છે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જે 37 ટકા પરિવારો બચત કરી શકે છે, તેમની વાર્ષિક બચત રૂ. 33,000થી વધુ નથી. અને, 63 પરિવારોની તો આવક જ એટલી ઓછી છે કે, બચત તો ઠીક ખર્ચ પણ કરી શકતા નથી.