Mysamachar.in: જામનગર
જામનગર શહેરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસચોપડે ચડી ગયો છે. જે યુવાનની હત્યા થઈ છે, તે યુવાનની પત્ની, પતિથી અલગ આરોપીના ઘર નજીક રહેતી હોવાનું બહાર આવતાં સમગ્ર પ્રકરણમાં મૃતકની પત્નીની ભૂમિકા ચર્ચાઓમાં છે. પોલીસે આ બનાવ સંબંધે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
જામનગરના ધરારનગર વિસ્તારમાં વીર સાવરકર નામની આઠ માળની આવાસ યોજના છે. આ આવાસના ચોથા માળે આ ખૂની ખેલ કાલે ગુરૂવારે મધરાત બાદ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં ઈકબાલ ગનીભાઈ કુરેશી નામના 35 વર્ષના યુવાનનું મોત થયું છે. આ યુવાન અહીં ભાડાના ફલેટમાં રહેતો હતો અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો હતો. આ યુવાન 3 સંતાનોનો પિતા હોવાની વિગતો મળી છે.
મૃતક યુવાનના ભાઈ ગુલામહુસૈને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, મૃતક ઈકબાલભાઈની પત્ની કરિશ્માને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં ઈમ્તિયાઝ બશીરભાઈ જોખિયા સાથે સંબંધ છે અને આ સંબંધમાં આડે આવતાં કરિશ્માના પતિ ઈકબાલનો કાંટો કાઢી નાંખવા આ ખેલ રચાયો હતો.પોલીસે ઈમ્તિયાઝ જોખિયા અને તેની સાથેના કિશન, એમ બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાથેસાથે પોલીસ આ કાંડમાં કરિશ્માનો રોલ ચકાસી રહી છે. કરિશ્મા પતિ ઈકબાલથી અલગ નવાગામ ઘેડમાં વસવાટ કરે છે. આરોપી ઈમ્તિયાઝ પણ આ વિસ્તારમાં રહે છે.
કાલે ગુરૂવારે મધરાત આસપાસ કરિશ્મા અચાનક પતિ ઈકબાલના ઘરે પહોંચી. એ પછી થોડીવારમાં આરોપીઓ ઈમ્તિયાઝ અને કિશન પણ ત્યાં એટલે કે ઈકબાલના ઘરે પહોંચી ગયા. ઈકબાલને છરીના પાંચ ઘા ઝીંકી દેવામાં આવ્યા. લોહીલુહાણ ઈકબાલને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલાં તેનું મોત થયું અને આ બનાવ હત્યાનો છે એવું પોલીસમાં જાહેર થયું. સિટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહીઓ હાથ ધરી છે અને આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને કારણે રાત્રે ધરારનગર અને નવાગામ ઘેડ વિસ્તારમાં સનસનાટી વ્યાપી ગઈ હતી.
દરમિયાન, સૂત્રોમાંથી જાણવા મળે છે કે, મૃતક તથા તેની પત્ની કરિશ્માને 3 સંતાનો છે જે પૈકી એક સંતાન મૃતકના માતા પાસે એટલે કે દાદી સાથે રહે છે, એક સંતાન કરિશ્મા સાથે રહે છે અને ત્રીજું સંતાન મૃતકના ભાઈ સાચવી રહ્યા છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા ટૂંકી વિગતો જાહેર કરવામાં આવી છે.