Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના જોગવડની સીમમાં આવેલી એક લેબર કોલોનીમાં બે શખ્સો વચ્ચેની એક નાની વાતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું અને તેમાં એક યુવાનની હત્યા નિપજાવી દેવામાં આવી. આ મામલો મેઘપર(પડાણા) પોલીસમાં નોંધાયો છે. આ બનાવમાં જેની હત્યા થઈ છે તેના નાના ભાઈ રાજીવકુમાર શ્રીવાસ્તવે પોલીસમાં જાહેર કર્યું છે કે, તેના મોટાભાઈ દિલીપકુમારનું ખૂન થયું છે. આ મામલામાં આરોપીઓ તરીકે આકાશકુમાર દીપકસિંહ અને અવનીશ સુરેન્દ્રસિંહ છે. આ બનાવ જોગવડની સીમમાં આવેલી એક લેબર કોલોનીમાં ગઈકાલે રવિવારે રાત્રે બન્યો હતો.
આ પોલીસ ફરિયાદની વિગતો એવી છે કે, જોગવડ નજીકની આ લેબરકોલોનીમાં દિલીપકુમાર નામનો એક પરપ્રાંતીય યુવાન કે જે ઉત્તરપ્રદેશનો વતની હતો અને હાલ અહીં વસવાટ કરતો હતો, તે મોટેમોટેથી મોહન ઠાકુરની સાથે વાતો કરી રહ્યો હતો. આ દરમ્યાન નજીકમાં જ આકાશકુમાર નામનો એક અન્ય શખ્સ મોબાઈલ પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો.
આ સમયે આકાશકુમારે દિલીપકુમારને મોટેથી વાતો ન કરવા કહ્યું અને દિલીપકુમારે આકાશકુમારને દૂર જઈ મોબાઈલ પર વાત કરવા કહ્યું. આ ચડસાચડસી દરમ્યાન બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો. મૃતક દિલીપકુમારના ભાઈએ આ બાબત અંગે, ફરિયાદમાં એમ જાહેર કર્યું છે કે, આ ઝઘડા દરમ્યાન આકાશકુમારે લાકડી વડે અને અવનીશે ગેસની નળી વડે, દિલીપકુમારને બેફામ માર મારતાં દિલીપકુમારને માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું. પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી છે.