Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી એવા મૃતક યુવાનના મોટાભાઈને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર મણીપુર હાબરડી ગામે રહેતા દેવશીભાઈ નારણભાઈ કરમુર નામના વૃદ્ધનું આજથી આશરે ચાર વર્ષ પહેલાં મૃત્યુ નીપજ્યું હતું. તેમના પત્ની ભેનીબેન દેવશીભાઈ કરમુર તેમના ત્રણ પૈકી બે અપરણિત પુત્રો વીરાભાઈ અને રામદેભાઈ સાથે રહેતા હતા. 40 વર્ષથી વીરાભાઈ તથા દિવ્યાંગ એવા રામદેભાઈ બન્ને અપરણિત હતા.
શુક્રવાર તારીખ 7 ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યે માતા-પુત્રો વાળું-પાણી કરીને દસેક વાગ્યે સુવા ગયા હતા. વીરાભાઈ તેમના મકાનની પાછળના ભાગે ઘઉં કાઢેલ, ત્યાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે એક વાગ્યાના સમયે તેમના મોબાઈલ ફોનની લાઈટ ચાલુ હોવાથી તેમના માતા ભેનીબેને તેમને ઉઠાડીને ઉઠાડ્યા હતા. ત્યાર બાદ વીરાભાઈ બીડી પીને સુઈ ગયા હતા.

આ પછી શનિવારે સવારે આશરે છ વાગ્યાના સમયે માતા ભેનીબેને તેમના પુત્ર વીરાભાઈને ઉઠાડતા તે કાંઈ બોલતા ન હતા અને એક પડખે ખાધેલ સુતા હતા. આટલું જ નહીં, તેમના મોઢા તેમજ નાકમાંથી લોહી વહેતું હતું અને તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગેની જાણ તેમના દ્વારા કલ્યાણપુર પોલીસને કરવામાં આવતા વીરાભાઈના મૃતદેહનું જામનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કોઈ શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું જાહેર થયું હતું.
બનાવ અંગે મૃતક યુવાનના માતા ભેનીબેન કરમુરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો. હત્યારાઓની સગડ મેળવવા ડોગ સ્ક્વોડ સહિતની પણ સેવાઓ લેવામાં આવી હતી. આ ચકચારી પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી એલ.સી.બી. પોલીસની ટીમે પણ ઝુકાવતાં પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એલ. બારસીયા અને બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા સધન તપાસ આદરવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસને મૃતક વીરાભાઈના મોટાભાઈ અરજણ દેવશીભાઈ કરમુર અને તેમના પત્ની જશીબેન અરજણભાઈ કરમુરની હિલચાલ શંકાસ્પદ જણાતા આ દંપતિની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું.
દંપતી મૃતક વીરાભાઈના બેસણામાં નહીં જઈ અને ખંભાળિયા તરફ ચાલ્યા જતા એલસીબીની ટીમે ઉપરોક્ત બંને શખ્સોને ખંભાળિયા ખાતેથી શોધી કાઢી અને પૂછપરછ અર્થે એલસીબી કચેરી ખાતે લાવ્યા હતા. અહીં પોલીસ દ્વારા તેઓની કરવામાં આવેલી આગવી ઢબે પૂછપરછમાં તેઓએ વીરાભાઈની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
આ પ્રકરણમાં આરોપી અરજણ દેવશી દ્વારા પોલીસને જણાવાયા મુજબ બે વર્ષથી વીરાભાઈ અવારનવાર તેઓ સાથે ઝઘડો કરતો હતો અને તેમના મકાને આવી અને પત્ની જશીબેન તેમજ દીકરીને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ વચ્ચે છેલ્લા ચાર દિવસથી દરરોજ ઝઘડો કરવા તે વાડીએ આવતો હતો અને બદનામ કરતો હતો. આ બાબતથી કંટાળીને અરજણભાઈ તથા તેમના પત્ની જશીબેને વીરાભાઈને મારી જ નાખવો છે તેમ નક્કી કરીને તા. 7 ના રોજ રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે પોતાના રહેણાંક મકાનેથી ચાલીને વીરાભાઈ સુતા હતા, ત્યાં ગયા હતા. અહીં ખાટલા પર સૂતેલા વીરાભાઈનું ગળું દબાવીને તેમની હત્યા નિપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
સમગ્ર પ્રકરણ અંગે આરોપી અરજણ દેવશી કરમુર (ઉ.વ. 42, રહે. મણીપુર હાબરડી) ની વિધિવત રીતે અટકાયત કરી અને વધુ તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપ્યો છે.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.આઈ. આકાશ બારસીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એસ.વી. કાંબલીયા, કલ્યાણપુરના પી.એસ.આઈ. ઉષાબેન અખેડ, એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, સજુભા જાડેજા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, ભરતભાઈ ચાવડા, ડાડુભાઈ જોગલ, સજુભા જાડેજા, નરશીભાઈ, લાખાભાઈ, દિનેશભાઈ, ખીમાભાઈ, હસમુખભાઈ, પુરીબેન, પ્રવીણભાઈ તથા કલ્યાણપુરના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હત્યાના આ બનાવે નાના એવા હાબરડી ગામ સાથે સમગ્ર કલ્યાણપુર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.