Mysamachar.in-સુરત
સુરત શહેરમાં થોડા દિવસો પૂર્વે સ્પામાં કામ કરતી થાઈલેન્ડની સ્વરૂપવાન યુવતીની સળગાવી દીધેલ હાલતમાં લાશ મળી આવી હતી, જે કેસ સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, અને આ મામલે પોલીસ દ્વારા ડીસીપી કક્ષાના અધિકારીની નિગરાની હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ આ હત્યા મામલે રચના કરવામાં આવી હતી અને આ ચર્ચાસ્પદ ગુન્હાનો ભેદ ઉકેલાઈ જાય તે માટે વિવિધ દિશાઓમાં પોલીસ તપાસ કરી હતી અને અંગે પોલીસને આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા સાંપડી છે. પોલીસને પહેલેથી જ જેના પર શક હતો તે હમવતની થેરાપિસ્ટ યુવતી આઇડા જ હત્યારી નીકળી હતી. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી.
સુરતના મગદલ્લા ખાતે રહેતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન ઉર્ફે મીમીની ભેદી સંજોગોમાં ઘરમાંથી ભડથું થયેલી લાશ મળી આવી હતી. શંકાસ્પદ આ ઘટનામાં પહેલાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ સ્થળ તપાસ કરનાર ફોરેન્સિક એક્સપર્ટ, ડીજીવીસીએલ, એફએસએલ તથા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની ટીમે પણ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. બીજી તરફ પોલીસને ઘરનો મુખ્ય દરવાજો બહારથી લોક, મૃતકના 3 મોબાઇલ, રોકડ રકમ અને ગોલ્ડ ચેઇન ગાયબ થવા, રૂમમાં એક જ ગાદલું બળી જવું, સંપૂર્ણ સળગી ગયેલી યુવતીની ચીસ કોઇએ સાંભળી નથી, કોલ્ડ્રિંક્સની બોટલોમાંથી દારૂની ગંધ સહિતની બાબતો શંકાસ્પદ લાગી હતી અને આખરે પાંચમા દિવસે ઉમરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
જો કે આ સમગ્ર ઘટના બાદ પોલીસને થાઇ યુવતીની હત્યામાં શરુઆતથી જ હમવતની સ્પા થેરાપિસ્ટ આઇડાની ભૂમિકા શંકાસ્પદ લાગતી હતી. મૃતક વનિડાએ આઇડા સાથે જ પોતાના રૂમમાં ઝીંગા અને દારૂની પાર્ટી કરી હતી, આઇડા રાતે વનિડાના રૂમમાં જ રોકાઇ ગઇ હતી આમ, આ કેસમાં સ્પા થેરાપિસ્ટ આઇડા જ પ્રાઇમ સસ્પેક્ટેડ હોય અલગ-અલગ અધિકારીઓએ વારાફરતી તેણીનું ઇન્ટ્રોગેશન કર્યુ હતું. જોકે, આઇડા મર્ડર કર્યાનો ઇન્કાર કરતી હતી. બીજી તરફ આઇડાની મલેશિયા અને જાપાનમાં ગુનાઇત હિસ્ટ્રી હોવાના પોલીસને ઇનપુટ મળતા ફરી આઇડા ફરતે તપાસ કેન્દ્રિત કરાઇ હતી.
આખરે પોલીસને આઇડા વિરુદ્ધના એવિડન્સ મળી ગયા હતા અને ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. આમ, સપ્તાહ સુધી પોલીસને ચકરાવે ચઢાવનાર આઇડાનો આખરે ભાંડો ફૂટી ગયો હતો. પોલીસને આઇડા પાસેથી મૃતકની ગોલ્ડ ચેઇન અને ૩ મોબાઇલ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, આઇડાએ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી. દારૂ પીધા બાદ અર્ધબેહોશ હાલતમાં વનિડાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સળગાવી દીધી છે કે કેમ તે જાણવા પોલીસ આઇડાની પૂછપરછ કરી રહી છે. આઇડા સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે. આ અંગે પોલીસ સત્તાવાર ખુલાસો કરે તે બાદ જ વધુ ફોડ પડશે..