Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં જાણે કે પોલીસ અને કાનૂનનો લોકોને ડર જ ન હોય એવું જોવા મળે છે, ગમે ત્યાં, ગમે તેના પર જાહેરમાં હથિયારો વડે હુમલા થતાં રહે છે, હત્યાઓ થતી રહે છે. આ પ્રકારના તત્વો પર જાણે કે, કોઈની ધાક જ નથી. સાવ સ્પષ્ટ વાત એવી છે કે જામનગર શહેર જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના ચીથરે હાલ છે કોઈને પોલીસનો ડર જ નથી એવામાં જામનગર જિલ્લામાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. આ બનાવ જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં નોંધાયો છે.
શેઠવડાળા પોલીસમાં કાલે સોમવારે સાંજે શૈલેષભાઈ ભાણજીભાઈ વિરમગામા(જાતે કોળી, ઉ. 40, રહે. જમાઈપરા સોસાયટી, શેઠવડાળા)એ જાહેર કર્યું કે, સોમવારે બપોરે બે વાગ્યા આસપાસ એમના ભાઈ પિયુષભાઈના તથા (આરોપી) પ્રકાશ બાબુભાઈ મકવાણાના બાળકો શેરીમાં રમતાં હતાં એ સમયે બાળકો વચ્ચેના ઝઘડા બાબતે મોટાંઓ વચ્ચે બોલાચાલી થઈ. અને, ફરિયાદીના બે ભાઇઓ પર આરોપીઓ દ્વારા હુમલો થયો.
આ હુમલામાં ફરિયાદીના ભાઇ રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા(42)નું લાકડીઓથી થયેલી ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે. મૃતકના માથામાં પ્રકાશ બાબુ મકવાણાએ લાકડી ફટકારી હતી, એમ ફરિયાદી કહે છે. આ હુમલામાં ફરિયાદીના અન્ય એક ભાઈ પિયુષભાઈને પણ કપાળમાં ઈજાઓ થઈ છે.
ફરિયાદીએ આ બનાવમાં આરોપીઓ તરીકે પ્રકાશ બાબુ મકવાણા, બાબુ બચુ મકવાણા, કાનજી બચુ મકવાણા, રણછોડ બચુ મકવાણા, બાબુ મકવાણાના પત્ની દયાબેન તથા રવિ બાબુ મકવાણા (રહે. બધાં શેઠવડાળા ગામ, જમાઈપરા સોસાયટી) એમ કુલ 6 ના નામો પોલીસમાં લખાવ્યા છે. પોલીસે હત્યાની કલમ સહિતની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધ્યો છે.