Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં હત્યાનો વધુ એક બનાવ જાહેર થતાં ચકચાર જાગી છે. આજે વહેલી સવારે આ હત્યા થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જેની હત્યા નિપજાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે એ યુવાનની ઉંમર 35 વર્ષ આસપાસની હોવાનું કહેવાય છે. આ મૃતદેહ લાલવાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે.
જામનગરના લાલવાડી વિસ્તારના એક પેટા વિસ્તારમાં જૂના અને જર્જરીત આવાસો આવેલાં છે. આ આવાસની નજીકથી આ મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહના માથા, ખભા અને ગળાના ભાગો આસપાસ લોહી જોવા મળી રહ્યું છે. આ હત્યા કેવી રીતે એટલે કે ક્યા હથિયારની મદદથી નિપજાવવામાં આવી છે, તેની હજુ તપાસ શરૂ થઈ છે.
આજે સવારે આશરે પાંચ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરતાં, બનાવની જગ્યાએ પહોંચેલા સિટી DySP જયવીરસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું છે કે, મૃતકનું નામ અખ્તર રફીકભાઈ ખીરા છે. અને કોઈ સાથેની એમની પૈસાની લેતીદેતી કે રિક્ષાની લેવડદેવડને કારણે ઉભા થયેલા અણબનાવને પરિણામે આ હત્યા કરવામાં આવી હોય તેમ પ્રાથમિક વિગતોના આધારે અનુમાન થઈ રહ્યું છે.
આ બનાવની જાણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો સર્વેલન્સ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બનાવ સંબંધિત હકીકતો બહાર લાવવા તપાસ આદરી છે. આરોપીઓ એક કરતાં વધુ હોવાનું પોલીસનું અનુમાન છે. આ વિસ્તારના CCTV તપાસવા સહિતની ગતિવિધિઓ શરૂ થઈ છે અને બીજી તરફ પંચનામું તથા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. આ બનાવે આ વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે.