Mysamachar.in-જામનગર:
જામનગર સહિત કોઈ પણ શહેરમાં આગ સળગતો પ્રશ્ન છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહાનગરપાલિકાઓ ફાયર બ્રિગેડ નિભાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, કરદાતા નગરજનો પાસેથી વેરાઓ અને ચાર્જીસ વસૂલે છે પરંતુ સરકારે આ તમામ કોર્પોરેશનમાં ફાયર NOC રિન્યુઅલની જવાબદારીઓ ખંખેરી નાંખી છે અને આ ગંભીર જવાબદારીઓ ખાનગી પાર્ટીઓના હવાલે કરી દીધી છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફાયર પ્રિવેન્શન ખૂબ જ સળગતો મામલો રહ્યો છે, બે વર્ષ અગાઉ આ મામલે રાજ્યમાં મોટો ઉહાપોહ મચી ગયા બાદ રાજ્યની વડી અદાલતે સરકારને આ મુદ્દે લિટરલી ઉતરડી નાંખી હતી પરંતુ એ પછી રાજ્ય સરકારે આ મુદ્દે વધુ સંવેદનશીલ અને ગંભીર બનવાને બદલે આ સળગતાં ક્ષેત્રમાં ખાનગી ખેલાડીઓની એન્ટ્રી કરાવી છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં આ મુદ્દે રામભરોસે સ્થિતિ છે, બીજા શબ્દોમાં લાલિયાવાડીઓ ચાલી રહી છે.

રાજ્ય સરકારે થોડાં મહિનાઓ અગાઉ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં ફાયર NOC ના રિન્યુઅલની જવાબદારીઓ ખાનગી લોકોને સોંપી દીધી છે. જેને સરકાર FSO કહે છે. રાજ્યમાં આવા આશરે 250 FSO છે, જે પૈકી અડધાં જેટલાં લોકોના ખુદના આ માટેના પરવાના રિન્યુ થયેલાં નથી. અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, જામનગરમાં બે FSO છે, જે પૈકી એકનો પરવાનો રિન્યુ થયેલો નથી. આવડા મોટાં શહેરમાં એક જ FSO છે, તેની પાસે પૂરતો સ્ટાફ નથી, તેઓ બહુ એક્ટિવ પણ નથી, લોકો પોતાની ફાયર પ્રિવેન્શન સિસ્ટમ રિન્યુ કરાવવા ઈચ્છે છે, જે નિયમિત રીતે થતી નથી, સરકારે આ માટે ફી નું ધોરણ યોગ્ય રીતે નક્કી કર્યું નથી, ઉઘરાણાં પણ ચાલતાં હોવાની ચર્ચાઓ છે. અચરજની વાત એ છે કે, આ નવી વ્યવસ્થાઓ અંગે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી નગરજનોને યોગ્ય જાણકારીઓ આપવામાં આવી નથી. બધું બંધબારણે ચાલે છે. શા માટે ?!

Mysamachar.in દ્વારા આ મુદ્દે સત્તાવાર વિગતો મેળવવા જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશનોઈનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવેલો, તેઓ મીટિંગમાં હોવાથી પ્રતિક્રિયાઓ માટે ઉપલબ્ધ થઈ શક્યા ન હતાં. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ.પાંડિયન જણાવે છે કે, ફાયર NOC રિન્યુઅલ કામગીરીઓ દૂબે નામના FSO ઓનલાઈન સંભાળી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા આ બાબતે શહેરમાં કોઈ પણ સ્થળે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરી શકે છે. સરકારની ગાઈડલાઈન અનુસાર આ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
આમ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં જાહેર થઈ ગયું છે કે, ફાયર NOC રિન્યુઅલ જેવી સંવેદનશીલ અને ગંભીર બાબત પ્રત્યે સર્વત્ર ભંભે લીટા થઈ રહ્યા છે, આ અતિશય ગંભીર મામલો છે. સરકારે હવે અનિવાર્ય ગંભીરતા દાખવવાનો સમય પાકી ચૂક્યો છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં બેહદ ગુસ્સો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ઉકળાટ ઠાલવતાં લાખો નાગરિકો રસ્તાઓ પર ઉતરી આવે તેવી પણ સંભાવનાઓ છે.(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય:ગુગલ)
