Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં કરોડો અથવા અબજો રૂપિયાના સિવિલ વર્ક ચાલી રહ્યા છે અને નવા નવા કામોના ખાતમુહૂર્ત પણ થઈ રહ્યા છે, બરાબર એ જ સમયે એમ જાહેર થયું કે, રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં કામ કરતાં મોટા કોન્ટ્રાક્ટરોએ પણ ઈલેકટોરલ બોન્ડની ખરીદીઓ કરી છે. (આ બોન્ડ આ કંપનીઓએ કોને વટાવવા આપ્યા છે, એ વિગતો બહાર આવી નથી). વધુમાં એક અંગ્રેજી અખબારના હવાલેથી મળતી વિગતો મુજબ
રણજિત બિલ્ડકોન લિમિટેડ અને તેની બે અન્ય કંપનીઓ રણજિત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા રણજિત ટોલરોડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓએ 2023માં રૂ.15 કરોડના ઈલેકટોરલ બોન્ડની ખરીદીઓ કરી છે. ( અત્રે ઉલ્લેખનિય છે કે, ઈલેકટોરલ બોન્ડને સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય ઠરાવાયા છે). રાજ્યમાં અન્ય કોન્ટ્રાક્ટર કંપનીઓએ પણ આ રીતે ઈલેકટોરલ બોન્ડની ખરીદીઓ કરી છે. રણજિત નામની આ કંપનીની ગત્ અઠવાડિયે અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાયઓવર બનાવવા રૂ. 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
રણજિત બિલ્ડકોને 2023ના જાન્યુઆરીમાં 7 કરોડ રૂપિયાના બોન્ડની ખરીદીઓ કરી. અને તેની બીજી કંપનીઓએ રૂ. 3 કરોડના બોન્ડની ખરીદીઓ કરી. પછી જૂલાઈ 2023માં આ કંપનીઓએ ફરી રૂ. 5 કરોડના બોન્ડની ખરીદીઓ કરી. મહેસાણાની આ કંપનીઓ ગુજરાત સરકારના, મહાનગરપાલિકાઓના તથા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓના તથા મેટ્રો ટ્રેનના કોન્ટ્રાક્ટ મેળવે છે.
રણજિત બિલ્ડકોનની સિસ્ટર કંપની રણજિત કન્સ્ટ્રક્શન કંપનીને અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાયઓવરનો રૂ. 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કંપની જામનગરમાં લાલપુર બાયપાસ ખાતે પણ ફ્લાયઓવર બનાવી રહી છે. આ કંપનીઓ દેશમાં 200 બ્રિજ બનાવે છે અને પોતાને એક્સપર્ટ લેખાવે છે.
આ કંપનીએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો એક પ્રોજેક્ટ સિંગલ પાર્ટી તરીકે મેળવેલો. આ પ્રોજેક્ટ રૂ. 60.91 કરોડનો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 12-05-2023ના દિવસે વડાપ્રધાને તેનું લોકાર્પણ વર્ચ્યુઅલી કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટનું ટેન્ડર બે વખત જાહેર કરવામાં આવેલું. પરંતુ કોઈ કંપની આ કામ કરવા રાજી ન હતી, આખરે રણજિત કંપનીને આ પ્રોજેક્ટ મળેલ હતો.