Mysamachar.in:જામનગર:
જામનગર મ્યુ.કમિશ્નરના અધ્યક્ષસ્થાને ગતરોજ એક મહત્વની મીટીંગ વીજતંત્રના અધિકારીઓ સાથે યોજાઈ ગઈ આગામી ચોમાસાને ધ્યાને લઈને અને શહેરના વિકાસ કામો માટે અધ્યક્ષસ્થાનેથી કેટલીક મહત્વની સૂચનાઓ લગત વિભાગને આપવામાં આવી જેની અમલવારી આગામી દિવસોમાં શરુ થશે તેમ જાણવા મળે છે.
હાલે જામનગર શહેરમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા અમૃત યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં રજુ થયેલ PGVCL અને J.E.T.C.O. ના લગત મુદ્દાઓની ચર્ચા કરવા બાબતે જામનગર મહાનગરપાલિકા ખાતે કમિશ્નર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને એક જોઇન્ટ મિટીંગ ગતરોજ યોજાઈ હતી, જેમાં જરૂરી વિગતો સાથે સુપ્રિટેન્ડન્ટ એન્જિનીયર, પી.જી.વી.સી.એલ. તથા કાર્યપાલક ઈજનેર (શહેર) અને કાર્યપાલક ઈજનેર (ગ્રામ્ય) તેમજ J.E.T.C.O. ના કાર્યપાલક ઈજનેર સહિતના મનપાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા,

PGVCL અને GETCOના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં કમિશનર મોદીએ મનપા દ્વારા જે હાલ વિકાસકાર્યો શહેરમાં ચાલી રહ્યા છે તેમાં આ બન્ને વિભાગો કઈ રીતની કાર્યવાહી કરવી જોઈએ અને કેવી કામગીરીને અગ્રીમતા આપવામાં આવે તે અંગે વાત કરતા કહ્યું કે હાલમાં સૈનિક ભવન પાસે રેલવે ઓવરબ્રીજનું કામ ચાલુ કરવા નડતરરૂપ જેટકોના કેબલ, કમ્પાઉન્ડ વોલ તથા પી.જી.વી.સી.એલ.ની લાઈનો તાકીદે શીફટ કરવામાં આવે તો કામગીરી કરવામાં સહેલાઇ આવી શકે ઉપરાંત લાલપુર ફલાયઓવરબ્રીજના કામ માટેનો લાલપુર જંકશનથી સાંઢીયાપુલ સુધીનો 4 કિમી. લંબાઈનો સર્વિસ રોડ જેમાં પી.જી.વી.સી.એલ.નું બાકી રહેતુ લાઇન શીફટીંગનું કામ પુરૂ કરવા સર્વે કરીને તેનું કવોટેશન તત્કાલ આપવા પણ કમિશનરે સૂચનાઓ આપી હતી,

ઉપરાંત ઢીચડા એસ.ટી.પી. પ્લાન્ટ પાસે પી.જી.વી.સી.એલ.ના પોલ, લાઇન વગેરે શીફટ કરવા, સાત રસ્તા સુભાષ ઓવરબ્રીજ ફલાયઓવરના કામ અન્વયે અંબર જંકશન પાસે બ્રીજનો રેમ્પ ઉતરતો હોય ત્યા જામનગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઈજનેરને સાથે રાખીને સર્વે કરાવીને પોલ, લાઈન, ટ્રાન્સફોર્મર શિફ્ટ કરવાના કામને ટોચની અગ્રિમતા આપવા તેમજ હવે જયારે વરસાદની ઋતુ આવી રહી છે ત્યારે જામનગર શહેરમાં પી.જી.વી.સી.એલ. દ્વારા પણ પ્રિ-મોન્સુનના ભાગરૂપે વાયરોને નડતરરૂપ ડાળીઓ ટ્રીમીંગ કરવામાં આવે છે જે રોડ ઉપરથી સમયસર નિકાલ કરી આપવામાં આવે તેમજ અલગ અલગ વોર્ડમાં કરવામાં આવતી આ પ્રકારની કામગીરીમાં પણ ઝડપથી રોડ ઉપરથી ડાળીઓનો નિકાલ કરવા લગત ઝોનલ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી,
આ બેઠક મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં સીટી ઈજનેર ભાવેશ જાની, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર વાય.આર.જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
