Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં જમીન રેકોર્ડ ડિજિટલ કરવાનું વચન આપતા આ મુદ્દો કોંગ્રેસ માટે પ્રચારનું માધ્યમ પણ બન્યો છે અને ગુજરાતમાં ખાસ કરીને જમીન માપણીને લઈને મોટાપાયે ગોટાળા બહાર આવતા ખેડૂતો વગેરે ભારે પરેશાન થયા હતા. તેવામાં ભાજપે ડિજિટલ લેન્ડ રેકોર્ડની જાહેરાત કરતા આ મુદ્દાની કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં ભારે ટીકા કરી રહ્યું છે.

જમીન માપણીમાં સુધારો ન થતા એક જ પરિવારોમાં ભારે વિવાદ થઈ રહ્યો છે,તો જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ, જોડીયા, આમરણ ચોવીસી, જામનગર તાલુકો, જામજોધપુર, લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાય ગામોમાં જમીન માપણીને લઈને ખેડૂતોમાં ફરિયાદ સાથે ભારે રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ જમીન માપણીના ગોટાળા સામે ભાજપની આકરી ટીકા કરી પ્રહારો મીટીંગો દરમ્યાન કર્યા છે,

ગુજરાતમાં જમીન માપણી કરીને તેનું રેકોર્ડ ડિજિટલ કરવાનો નિર્ણય કરીને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ખાનગી કંપની આડેધડ જમીન માપણી કરતા ખેડૂતોમાં વ્યાપક ફરિયાદ ઉઠી હતી આ મામલે ગુજરાત સરકાર પણ ભારે ભીસમાં આવી હતી અને ખાસ કરીને જામનગર જિલ્લામાં આધુનીક જમીન માપણી ના પ્રશ્ને ૭/૧૨માં ગોટાળા, સર્વે નંબર અવલદવલ, નકશાઓમાં ફેરફાર સહિતની ઘણી ક્ષતિઓ બહાર આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને સરકારે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ અંતે સરકારી કર્મચારી દ્વારા જમીન માપણી કરવાનો નિર્ણય લઇને મામલો થાળે પ્રયાસ કર્યો હતો,

ત્યારે હજુ જામનગર જિલ્લામાં જમીન માપણીનો મુદ્દો સળગી રહ્યો છે તેવામાં ભાજપે પોતાના ઘોષણાપત્રમાં ડિજિટલ લેન્ડ રેકોર્ડ કરવાની વાત માત્ર વાત જ રહી જશે તેમ પણ મુળુભાઇએ પોતાના ભાષણ દરમ્યાન ઉમેર્યું હતું અને જ્યાં પણ મુળુભાઇ કંડોરીયા પ્રચાર માટે જાય છે ત્યાં જમીન માપણીના ગોટાળાની અઢળક રજુઆતો પણ મુળુભાઇ સમક્ષ આવી રહી છે,

જમીન માપણીમાં ગોટાળા ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા જ્યારે સંસદીય ક્ષેત્રનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે લોકસંપર્ક દરમિયાન ગ્રામીણ ક્ષેત્રમાંથી પાક વિમાની સાથે જમીન માપણીના પ્રશ્ને પણ ભાજપ સામે ખેડૂતોની નારાજગી સામે આવી રહી છે અને કઈક નવું કરવાના મૂડમાં ગ્રામીણ વિસ્તારની જનતા હોય તેવું લાગી રહ્યું છે,

જમીન માપણી મામલે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ભાજપ ખેડૂતોને બરબાદ કરવા બેઠી છે, ઉદ્યોગપતિના ઇશારે ચાલતી ભાજપ સરકાર ખેડૂતોની પરવાહ નથી અને આડેધડ જમીન માપણીને કારણે ખેડૂત પરિવારોમાં આંતરિક વિખવાદ થઈ રહ્યા છે, સર્વે નંબરો અવલદવલ થયા છે અને આ જમીન માપણી પૂરી થતી જ નથી જેનાથી ખેડૂતો ભારે પરેશાન છે તેવા આક્ષેપો સાથે ડિજિટલ લેન્ડ રેકર્ડના ભાજપના વધુ એક વચન આપતા તેની ટીકા કરીને મુળુભાઇ કંડોરીયાએ ખેડુતોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોય એકતરફ હાલારના ખેડૂતો આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે અને સ્થાનિક પ્રશ્નોને ભૂલાવીને ભાજપ લોકોને આડાપાટે ચઢાવીને આપેલા વચનો ભુલાઈ જાય તેવા પ્રયાસો કરીને અન્ય કેટલાક મુદ્દા પર ભાર આપીને પ્રજાને ગુમરાહ કરી રહી છે. તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરીને જામનગર જીલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાના મામલે ખેડૂતોની પરેશાની, પાકવીમાનો પ્રશ્ન, સિંચાઇના પાણીનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન સહિતની સમસ્યાઓથી ખેડૂતો જજૂમી રહ્યા છે ત્યારે પ્રજાના યોગ્ય પ્રશ્નો માટે પણ ભાજપના નેતાઓ આગળ નથી આવતા જે વાત પણ મતદારોના મનમાં ખૂંચી રહી છે,

મુળુભાઇએ જિલ્લાની કાયાપલટ કરી ગ્રામીણ, ખેડૂતો, બેરોજગારો, વ્યાપારીઓ અને તમામ વર્ગને સ્પર્શતા મુદ્દાઓ પર પોતે જનપ્રતિનિધિ તરીકે સમાજ સેવા કરી શકે તે માટે એક તક મતદારો પાસેથી માંગી છે અને જો મતદારો મુળુભાઇ કંડોરીયાને તક આપશે તો તે તક પૂરી કરવાનું વચન પણ મુળુભાઇ દરેક જગ્યાએ અત્યારથી જ આપી રહ્યા છે, ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને ગામેગામથી લોકસંપર્ક દરમ્યાન જે રીતે આવકાર મળી રહ્યો છે, તે પરથી પરીવર્તનનો પવન જામનગર સંસદીય મતક્ષેત્રમાં ફૂંકાશે તેવું લાગી રહયુ છે.
