Mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી જી હોસ્પીટલમાં એમ.આર.આઈ.મશીન છેલ્લા 20 દિવસ જેટલા સમયથી બંધ થઇ જતા જામનગર જીલ્લાના ગરીબ લોકો પાસે માત્ર જી જી હોસ્પિટલ જ એક વિકલ્પ હોય છે. પરંતુ જી જી હોસ્પિટલ માત્ર અમુક પ્રાઈવેટ હોસ્પિટલને લાભ પહોચાડવાના હેતુથી જ કાર્યરત હોઇ એવું લાગે અને તાકીદે એમ.આર.આઈ.મશીન ચાલુ થાય તેવી રજૂઆત મનપાના પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી અને કોંગી આગેવાનો દ્વારા જી જી હોસ્પીટલના અધિક્ષકને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં ટાંકવામાં આવ્યું છે કે જામનગર શહેર અને જામનગર જીલ્લા B.P.L. કાર્ડધારકો અને સીનીયર સીટીઝન લોકો માટે ફ્રી અને રાહત ભાવે MRI કરાવવા માટે ફરજીયાત જી જી હોસ્પિટલ જ એક માત્ર વિકલ્પ હોય છ્તા પણ જી જી હોસ્પિટલ ખાતેનું MRI મશીન તા. 10/06/2020 (આશરે 21 દિવસ) થી બંધ હાલતમાં જ છે. છતાં પણ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, ગરીબ દર્દીઓને MRI રિપોર્ટ કરાવવા અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂ. 8000 થી 10,000 નો ખર્ચ પડે છે. આ રૂપિયા આવી મોંઘવારીમાં પડ્યા ઉપર પાટું સમાન છે, જે લોકો આ રિપોર્ટ બહાર નથી કરાવી શકતા તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. MRI રિપોર્ટ મોટા ભાગે ગંભીર બીમારીઓમાં કરાવવું ખુબજ જરૂરી હોઈ માટે ગરીબ દર્દીઓને ના છૂટકે વ્યાજે પૈસા લઈને પણ આ કરાવવું જ પડે છે. કયા તો જે ખર્ચ નથી કરી શકતા તેઓ રોગથી પીડાય છે.
જી જી હોસ્પીટલમાં વપરાતું MRI મશીન આશરે 12 વર્ષ જૂનું અને આઉટડેઇટેડ છે. જેનું રેગ્યુલર મેઈન્ટેનસ કરાવવું ખૂબ જરૂરી હોય છતાં પણ છેલ્લા બે મહિનાથી આ મશીનનું મેઈન્ટેનસ શું કામે નથી કરાવવામાં આવ્યું? તેના પાછળ નું કારણ શું? મળતી માહિતી મુજબ એન્યુલ મેઈન્ટેનસ માટેનો કોન્ટ્રાકટ સિમેન્સ કંપની ને આપવામાં આવ્યો છે, જાણવા મળતી માહિતી મુજબ આ મશીનના મુખ્ય પાર્ટસ ફેલ થઈ ગયું હોઈ અને સીમેન્સ કંપનીને વાર્ષિક રૂપિયા 30 લાખનું બીલ થતું હોઈ અને તે પણ બે વર્ષનું અંદાજીત રૂપિયા 60 લાખ બાકી હોઈ માટે કંપની દ્વારા કામગીરી કરવામાં આવતી નથી.ત્યારે તાકીદે એમ.આર.આઈ મશીન ચાલુ થાય તેવી માંગ કરાઈ છે.