Mysamachar.in-અમદાવાદઃ
ખંડણી માગવા માટે કુખ્યાત ખુંખાર વિશાલ ગોસ્વામી ગેંગ ફરી સક્રિય થતા ભારે ચર્ચા જાગી છે. આ ગેંગ દ્વારા શહેરમાં મોટા વેપારીઓને ધમકીભર્યા ફોન કરી ખંડણી માગવામાં આવી રહી છે, આ મામલે જાણ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ખુંખાર ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરી છે, આ ચારેય શખ્સો વિરુદ્ધ ગુજસીકોક કાયદા અંતર્ગત ગુજકોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. નવા કાયદાના અમલ બાદ પ્રથમવાર આ ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે કુખ્યાત વિશાલ ગોસ્વામી સાબરમતી જેલની અંદરથી જ ફોન દ્વારા પોતાની ગેંગને ઓપરેટ કરતો હતો. અમદાવાદ મેઘાણીનગરમાં ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડેલાં વિશાલ ગોસ્વામી ગેંગના સભ્યો પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. હાલ પોલીસે સાબરમતી જેલમાં દરોડા પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું છે નવો કાયદો ?
ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટમાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળે છે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બને છે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે. વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લિક પ્રોસિક્યુટર, વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક કરાશે, જે આતંકવાદીને લગતાં તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે.