Mysamachar.in:ગુજરાત
એલઆઇસી સહિતનાં મોટાભાગના વીમાના કામોમાં વિશ્વાસે વહાણ ચાલતાં હોય છે. એજન્ટો તમારી સાથેનાં સંબંધોને કારણે કાગળિયાઓમાં ઢગલાબંધ સહીઓ કરાવી લ્યે ! અને, તમને થોડુંઘણું કમિશન બાદ આપી દે, વાત પૂરી ! અને પછી તમે, પોલિસીનાં પ્રીમિયમ ભર્યે રાખો. પરંતુ ખાસ કરીને મેડિકલ વીમો એવી વસ્તુ છે જેમાં મોટાભાગના પોલિસીધારકો અંગૂઠાછાપ હોય છે. ભાગ્યે જ કોઈને ખબર હોય છે કે, આ પોલિસી આખરે છે શું ? તેમાં શું શું લાભ મળે ? લાભો મેળવવા શું શરતો હોય છે ?! તેની ભાગ્યે જ કોઈ જાણકારી હોય છે ! બધું ભંભેભંભ દોડયે રાખે છે અને વીમાકંપનીઓ તથા એજન્ટો તમારાં ખર્ચે પોતાની બેલેન્સ શીટ મજબૂત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે.
આ આખાં વિષય અંગે એક સર્વે થયેલો. આ સર્વેની કેટલીક વિગતો પર ઉપરછલ્લી નજર ફેરવો તો પણ સમજાઈ જાય કે, વીમાપોલિસી ધારકો કેટલાં અજાણ હોય છે ?! સર્વે કહે છે : મોટાભાગના પોલિસીધારકો વીમા તથા કલેઈમની શરતો અંગે અજાણ હોય છે. વાહનવીમા ક્ષેત્રે પણ આવું જ છે. મોટાભાગના લોકોને IDV શું છે ? તે ખબર હોતી નથી. ઝીરો ડેપ્રીસિએશન અને રોડસાઈડ આસિસ્ટન્સ અંગે માત્ર ચોથા ભાગના પોલિસીધારકોને થોડીઘણી જાણકારી હોય છે. હેલ્થ ઇન્સ્યુરન્સમાં પણ આવું જ છે. વીમા માટેનાં જે બેઝિક મુદા છે તે અંગે ભાગ્યે જ કોઈ લિટરસી (જાગૃતિ) જોવા મળે છે. સર્વે કહે છે: વીસ ટકા લોકો એવાં છે જેઓને વીમા સંબંધી શરતોની ખબર નથી હોતી. ચાલીસેક ટકાથી વધુ વીમાધારકો એવાં છે જેઓને IRDA શું છે ? એ પણ ખબર નથી. નેવું ટકા જેટલાં લોકોને એટલી જ ખબર હોય છે કે, હોસ્પિટલ બિલ ચૂકવાઈ જાય, એ સિવાય કોઈ જ જાણકારી નથી હોતી.
વીમાપોલિસીનાં કાગળોમાં જે ટૂંકા નામો લખવામાં આવ્યા હોય છે, એ નામોનો શું અર્થ છે એ પણ ઘણાં લોકોને ખબર નથી. દાખલા તરીકે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA), નો કલેઈમ બોનસ (NCB) અને આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) જેવાં શબ્દો વીમાપોલિસીમાં શેનાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે ? તેની જાણકારી લગભગ પિસ્તાલીસ ટકા પોલિસીધારકો ધરાવતા નથી ! ટૂંકમાં સામાન્ય પોલિસીધારક માત્ર એટલું જ જાણે છે જેટલું એજન્ટ કહે છે. તેઓને વીમાની જટિલ શરતો અંગે કશી જ ખબર નથી હોતી ! મેડિકલ વીમો લેનારાં પૈકી છેતાલીસ ટકા તો એમ કહે છે, પોલિસી લેવા ખાતર લીધી છે ! ઘણાં એમ પણ કહે છે, પોલિસી જાણકારી મેળવીને લીધી છે. પ્લાન પસંદ કર્યો છે.






