Mysamachar.in-જામનગર:
જાહેર જીવનમાં, ખાસ કરીને રાજકારણમાં અડધી વસતિનું પ્રતિનિધિત્વ ધરાવતાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અને એ રીતે મહિલાવર્ગનું સશક્તિકરણ કરવાના શુભ આશય સાથે, ખાસ કરીને ગ્રામ પંચાયતોથી માંડીને મહાનગરપાલિકાઓ સુધી મહિલાઓને ચૂંટણીઓમાં આગળ કરવામાં આવે છે. પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ વ્યવસ્થાઓમાં મહિલાઓનું ખરેખર સશક્તિકરણ થઈ રહ્યું છે ? જેનો જવાબ ‘ના’ છે.
નાના નાના ગામોમાં બળુકા પુરૂષોની પત્નીઓ કે માતાઓને ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે ઉભા રાખી દેવામાં આવે છે અને જ્ઞાતિવાદ સહિતના કારણોસર આવી મહિલાઓ વિજેતા પણ બની જતી હોય છે, પરંતુ આ મહિલાઓની શાસનમાં કોઈ જ ભાગીદારી હોતી નથી. અને મોટાભાગની મહિલાઓ તો એટલી હદે અશિક્ષિત હોય છે કે, તેઓ શાસનને સમજી પણ શકતા નથી, કાગળો વાંચી-લખી પણ શકતા નથી અને શાસન સંબંધિત નિર્ણયોમાં એમની કોઈ જ સમજણ કે સામેલગીરી હોતી નથી.
માત્ર ગ્રામ પંચાયત સ્તરે જ નહીં, તાલુકા કે જિલ્લા પંચાયત સ્તરે અને પાલિકા કે મહાનગરપાલિકા કક્ષાએ પણ સ્થિતિઓ આવી જ છે. ચૂંટાયેલા મહિલાઓને આગળ કરી એમના પરિવારોના પતિઓ સહિતના પુરૂષો નિયમો વિરુદ્ધ શાસનમાં અને નિર્ણયોમાં ટાંગ અડાવતા હોય છે ! ખૂબીની વાત એ પણ છે કે, તંત્રના અધિકારીઓ આવા ‘પુરૂષો’ને લાલ આંખ દેખાડવાનું ટાળે છે !
જામનગર મહાનગરપાલિકાની જ સ્થિતિઓ જૂઓ. મોટાભાગના નગરસેવિકાઓ નિષ્ક્રિય હોવાની છાપ. એ પૈકી મોટાભાગના મહિલા કોર્પોરેટરને કયાંય, કોઈ પ્રકારની ગતાગમ પણ નથી હોતી. સમારંભો અને શાસકીય બેઠકોમાં આ મહિલાઓ માત્ર ‘શોભામાં અભિવૃદ્ધિ’ સાબિત થતાં હોય છે અને એમના પરિવારના પુરૂષો જ સઘળો ‘વહીવટ ‘ નિયમો વિરુદ્ધ કરતાં રહે છે. જો કે આ પ્રકારના ઘણાં ‘પતિદેવો’નું પણ કયાંય, કશું ઉપજતું ન હોય એવું પણ જોવા મળી રહ્યું છે. જો કે આવા કિસ્સાઓમાં કોઈ મહિલા સભ્યો અપવાદ પણ હોય શકે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારની સ્થિતિઓને કારણે રાજકીય પક્ષો અને સ્થાનિક રાજકીય આગેવાનો પર દબાણ સર્જાવાનું શરૂ થઈ ગયું છે. આગામી કોર્પોરેશન અને પંચાયત ચૂંટણીઓમાં મોટાભાગના નિષ્ક્રિય મહિલાઓને ફરીથી ‘રસોઈઘર’ તરફ મોકલી આપવામાં આવે તો નવાઈ નહીં. નોંધપાત્ર બાબત એ પણ છે કે, ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા સુધી, ઘણાં ચૂંટાયેલા મહિલાઓ એવા પણ છે જેમને ન તો કોઈ મતદારો ઓળખે છે, ન તો એમના નામોની કોઈને ખબર છે. આગામી પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં આ મુદ્દો નોંધપાત્ર બનવાની શકયતાઓ જોવા મળી રહી છે.
