અંગ્રેજીમાં એક કહેવત છે… સલાહ આપે સૌ, લ્યે નહીં કોઈ. ગુજરાતીમાં કહેવત છે: સલાહ આપવી સહેલી છે, પાળવી નહીં. આવું જ કાંઈક જામનગરમાં જોવા મળી રહ્યું છે ! શહેર અને જિલ્લામાં જ્યારે પણ કોઈ રોગચાળો માથું ઉંચકે ત્યારે, પ્રચાર પ્રસાર માધ્યમોમાં આરોગ્ય સત્તાવાળાઓ રીતસર ગાજતા હોય છે કે, રોગોથી બચવા લોકોએ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું ધ્યાન રાખવું જોઈએ અને ઢીંકણું ન કરવું જોઈએ. આ સલાહવીર આરોગ્ય સત્તાવાળાઓ ખુદ રોગચાળામાં ઉંઘતા ઝડપાયા ! એમની જ છાતી પર રોગચાળો ઉગી ગયો, ત્યાં સુધી આ દેવદૂતો માનવામાં આવતાં ડોક્ટર્સ ઉંઘતા રહ્યા !! અને આખરે, ઉંઘતા જ ઝડપાઈ ગયા…
જામનગર મહાનગરપાલિકાની અખબારી યાદીમાં, જામનગરના આરોગ્ય સત્તાવાળાઓની પોલ છતી થઈ ગઈ. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ આજે જાહેર કર્યું કે, હાલની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ થવાની શકયતાઓ રહેલી હોય છે. જેને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો દેખા દઈ શકે. મહાનગરપાલિકાએ રોગચાળો અટકાવવા પ્રયાસો શરૂ કર્યા છે.
મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું કે, હાલ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાઈ રહ્યા છે જે પૈકી 76 ટકા કેસ મેડિકલ કેમ્પસમાં નોંધાઈ રહ્યા છે. મેડિકલ કેમ્પસના તમામ ક્વાર્ટર, હોસ્ટેલ, લાઇબ્રેરિ સહિતની જગ્યાઓ પર ફોગિંગ કરવામાં આવ્યું છે અને સમગ્ર કેમ્પસમાં એન્ટિલાર્વલ કામગીરીઓ કરવામાં આવી રહી છે.
મહાનગરપાલિકા કહે છે: આ કામગીરીઓ દરમ્યાન મેડિકલ કેમ્પસ વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ પર પાણી ભરાયેલું જોવા મળતાં અને તેમાં મચ્છરના પોરાં જોવા મળતાં આરોગ્ય ટીમ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો છે અને, આ પ્રકારની ગંદકી ફેલાવવાના અપરાધ બદલ આ કન્સ્ટ્રકશન સાઈટના માલિક પાસેથી એક હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
અહીં કેટલાંક પ્રશ્નો: મેડિકલ કેમ્પસ જેવી સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારની ગંદકી પેદાં થઈ ત્યાં સુધી કોન્ટ્રાક્ટર, PIU યુનિટ અને મેડિકલ સત્તાવાળાઓ શું કરતાં હતાં ? અને, આ પ્રકારની ગંદકીને કારણે ડોક્ટર્સ તથા તબીબી વિદ્યાર્થીઓ ડેન્ગ્યુની ઝપટે ચડી ગયા તો, આરોગ્ય સત્તાવાળાઓએ ખરેખર તો આ કોન્ટ્રાક્ટર પાર્ટીને દંડ કરવો જોઈએ, મહાનગરપાલિકાએ આ બેદરકાર કોન્ટ્રાક્ટર પાર્ટીનું નામ જાહેર કરવું જોઈએ અને શહેરમાં ઘણાં સમયથી રોગચાળો ચાલી રહ્યો છે, એ સ્થિતિઓ વચ્ચે છેક હવે આ કામગીરીઓ થઈ ? અને એ પણ માત્ર દેખાડા પૂરતી જ ?! ખરેખર તો મહાનગરપાલિકાએ તથા આરોગ્ય સત્તાવાળાઓએ આવી બાબતોમાં આકરી કાર્યવાહીઓ કરવી જોઈએ તો આ પ્રકારના અન્ય બેદરકાર લોકો સમક્ષ દાખલો બેસાડી શકાય. અને, એક મુદ્દો એ પણ છે કે, મહાનગરપાલિકાની ખુદની બેદરકારીઓને કારણે પણ શહેરમાં આ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે જ- સૌ સુધરે એવી નગરજનોની લાગણીઓ છે.