Mysamachar.in-અમદાવાદ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સમગ્ર રાજ્યમાં થતાં અકસ્માતો પર નજર ફેરવીએ તો જોવા મળે છે કે, કારચાલકો બહુ અકસ્માત સર્જે છે. ફોર વ્હીલરના ચાલકો બેફામ વાહનો ચલાવે છે. આ વાહનોના ચાલકો ડ્રાઇવિંગ બાબતે ‘અભણ’ હોય તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે. આવા અસંખ્ય અકસ્માતોમાં લોકોના જિવ લેવાઈ રહ્યા છે. કારણ કે ફોર વ્હીલરના ચાલકોમાં મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જ ટ્રાફિક સેન્સ જોવા મળતી નથી.
ખુદ સરકારના આંકડા પણ કહે છે કે, ફોર વ્હીલર વાહન ચલાવવા જે લોકો લાયસન્સ માટે અરજીઓ કરે છે તેમાં ‘ઠોઠ’ લોકોની સંખ્યા વધારે છે. કલ્પના કરો, આવા લોકો વાહનો ચલાવે ત્યારે અકસ્માત જ નોતરે ને. વર્ષ 2024-25 દરમિયાન રાજયભરની RTO કચેરીઓમાં ફોર વ્હીલર માટેના લાયસન્સ આપવા સંબંધે 20.55 લાખ ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવામાં આવી. આ પ્રેક્ટિકલ ટેસ્ટમાં 57 ટકા અરજદારો ‘નાપાસ’ થયા.
વર્ષ 2023-24 દરમિયાન RTO સત્તાવાળાઓએ ગુજરાતમાં 7.91 લાખ લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યા. વર્ષ 2024-25 માં આ આંકડો 6.1 લાખ રહ્યો છે. ટુ વ્હીલર માટે લાયસન્સ મેળવવા જે લોકો ટેસ્ટ આપે છે તે પૈકી 85 ટકા લોકો ટેસ્ટમાં પાસ થઈ જાય છે. તેમાં પણ 15 ટકા લોકો ફેલ થાય છે. ફોર વ્હીલર માટે લાયસન્સ મેળવવા જે લોકો અરજીઓ કરે છે તેમાં 40 ટકા લોકો એવા હોય છે જેમને કાર ઉપરાંત LMV (જિપ વગેરે ચલાવવા) લાયસન્સ પણ જોઈતું હોય છે.

વાહનને S આકારમાં રિવર્સ લેવું- વાહનોની કતારમાં વાહન પાર્ક કરવું કે ફોર વ્હીલર વાહન અંગ્રેજી આઠ 8 આકારમાં વાહન ચલાવવું- આ પ્રકારના ટેસ્ટમાં 80 ટકા લોકો ફેલ થાય છે. મતલબ ફોર વ્હીલર ચલાવવા લાયસન્સ મેળવવા ઈચ્છતા લોકો કુશળ નહીં પણ અંગૂઠાછાપ હોય છે. આ પ્રકારના લોકો બાદમાં કોઈ રીતે લાયસન્સ મેળવી લ્યે તો સ્વાભાવિક છે કે, અકસ્માતોની સંખ્યા વધવાની જ છે.
ખાસ કરીને કાર સિવાયના કોમર્શિયલ ફોર વ્હીલર વાહનો ચલાવવા જે લોકો ટેસ્ટ આપી રહ્યા છે તેમાં 19-20 વર્ષના યુવાનોની મોટી સંખ્યા હોય છે, જે પૈકી મોટાભાગના ડ્રાઇવિંગ સ્કીલ જાણતા જ નથી હોતા, જેને કારણે મોટાભાગના અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાય છે. એમ ખુદ અધિકારીઓ કહી રહ્યા છે. આંકડાઓ કહે છે, ભૂજ-દાહોદ અને પોરબંદર પંથકના લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં વધુ સંખ્યામાં ફેલ થઈ રહ્યા છે.