Mysamachar.in-જામનગર:
જામનગર શહેર પોલીસના જુદાજુદા ડિવિઝન અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા જુદાજુદા સમયે વિવિધ ગુનાઓસર સંખ્યાબંધ વાહનો કબજે લેવામાં આવ્યા હતાં. આ વાહનો પૈકી જે ગુનાઓની અદાલતી કાર્યવાહીઓ પૂર્ણ થઈ હોય અને જે વાહનો કાયમ માટે પોલીસ હસ્તક જમા થઈ ગયા હોય એવા વાહનોની તાજેતરમાં જામનગર પોલીસ દ્વારા જાહેર હરાજી કરી આવા વાહનોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન અનુસાર વિવિધ વિભાગોના DySP કક્ષાના અધિકારીઓ અને વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરો વગેરેના સહયોગથી આ પ્રકારના કુલ 1,179 વાહનોની જાહેર હરાજી સપ્ટેમ્બર માસ દરમ્યાન યોજવામાં આવી હતી. આ હરાજી દરમ્યાન કુલ રૂ. 50,55,000ની રકમ ઉપજી હતી જે પોલીસ વિભાગ દ્વારા સરકારમાં જમા કરાવવામાં આવી છે.