Mysamachar.in-મહેસાણાઃ
છેલ્લા 24 કલાકમાં અનેક જગ્યાએ ATMમાંથી ચોરી થયાની ફરિયાદો નોંધાઇ છે. મહેસાણા શહેરમાં જ ચાર ATMમાંથી ચોરી તથા ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે, જ્યારે એક જામનગરમાં પણ ATMમાંથી ચોરીનો પ્રયાસ થયાની ફરિયાદ નોંધાઇ છે. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં સ્ટેટ બેંકના બે ATMના કેશબોક્સ ગેસ કટરથી કાપી બૂકાનીધારી લૂંટારૂઓ રૂપિયા 39.55 લાખની ચોરી કરવામાં સફળ થયા છે, એટલું જ નહીં લૂંટારૂઓએ મહેસાણા શહેરમાં અન્ય બે ATMમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં એક જ રાતમાં ચાર ATMમાંથી ચોરીની ફરિયાદથી પોલીસતંત્ર સફાળું જાગ્યું હતું અને લૂંટારૂઓનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે. તો જામનગરમાં પણ નાઘેડી ગામમાં સ્થિત સેન્ટ્રલ બેન્કના ATM તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે ગ્રામજનોની સતર્કતાને કારણે ચોરીનો બનાવ અટકાવી શકાયો હતો.
મહેસાણામાં ATM ચોરીના બનાવમાં સ્ટેટ બેંકના એટીએમ રૂમમાં સોમવારે રાત્રે 3.11 મિનિટે ઇકો કારમાં આવેલા 4 બૂકાનીધારી ચોરોએ સૌપ્રથમ 4 સીસીટીવી કેમેરા પર કાળા રંગનો સ્પ્રે મારી અંદર ઘૂસ્યા હતા, બાદમાં ગેસકટરથી બે એટીએમ કાપી ચોરીને અંજામ આપ્યો, મંગળવારે સવારે એટીએમ બંધ જણાતાં એજન્સીના ઇજનેરો 9 વાગે અહીં પહોંચ્યા ત્યારે બંને એટીએમ તૂટેલા મળી આવ્યા, આ અંગે બી ડિવિજન પોલીસ, એલસીબી, એસઓજી સહિતની પોલીસે બનાવ સમયનાં ફૂટેજ મેળવી ચોરીમાં ઉપયોગમાં લીધેલી ગાડીનો નંબર મેળવવા કાર્યવાહી કરી હતી. એટીએમમાં નાણાં ભરતી કંપનીના ઇજનેરના કહેવા મુજબ, સોમવારે સવારે બંને એટીએમમાં રૂપિયા 59 લાખ લોડ કર્યા હતા. જેમાંથી રૂ.39,55,900ની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. આ સિવાય અન્ય બે ATMમાં બે ચોરોએ પાંચ સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે મારી ગેસ કટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમને કોઇ નુકસાન તથા પૈસાની ચોરી થયાનું જણાઇ આવ્યું નથી.