Mysamachar.in-અમદાવાદઃ
વર્ષ 2019માં ટ્રાફિકના વિવિધ નિયમોની કડક અમલવારી કરાવવા માટે સરકાર તરફથી દંડની જોગવાઇમાં ફેરફાર કરી નિયમોના ઉલ્લંઘન માટે મસમોટા દંડ ફટકારવાનું નક્કી કરાયું. સરકારને ખબર જ હતી કે દંડભરનારા લોકોની સંખ્યા વધી જશે, એટલા માટે સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાની મદદથી લોકોને મેમો આપાવનું શરૂ કરાયું હતું. પરંતુ સરકારને એ ખબર નહોતી કે આ પબ્લિક છે, ભલેને ગમે તેટલા દંડ ફટકારવામાં આવે દંડ ભરવો જ નથી ને. આવું એટલા માટે કારણ કે અમદાવાદમાં સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલા ઇમેમોમાંથી પોલીસ ચોપડે 23 લાખ લોકોએ ઇમેમો ન ભર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે 10 લાખ લોકોએ ઇમેમો ભર્યા છે.
ગુજરાતનું સ્માર્ટ અને મેટ્રોસિટી ગણાતા અમદાવાદમાં મોટાભાગના ચાર રસ્તા પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે. જેથી વાહન ચાલકોને ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે અને જો વાહન માલિક ઈ-મેમોની ભરપાઈ નહી કરે તો ઘણાંખરા વાહન ચાલકોનાં આજીવન માટે લાયસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વર્ષ 2018થી અત્યાર સુધી સ્માર્ટસીટીનાં પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 10 લાખ લોકોએ ઈ-મેમો ભર્યા છે. રૂપિયા 23 લાખનાં ઇમેમો પેન્ડિંગ છે. જુના કેમેરા લાગ્યા હતા જેમાં 50 હજાર શહેરીજનોએ મેમો ભર્યા હતા. જ્યારે 56 હજાર વ્યક્તિઓના ઈ- ચલણ હજી પેન્ડીંગ છે.