Mysamachar.in:ગાંધીનગર
સરકારના વિવિધ વિભાગોમાં તથા બોર્ડ નિગમોમાં જુદાજુદા પ્રકારના લોચા ચાલતાં હોય છે. ઘણીયે ગેરરીતિઓ પણ ચાલતી હોય છે. પરંતુ સ્થાનિક સ્તરે તેનો ઉકેલ ન આવતાં, અંતે નાગરિકો આવી ફરિયાદો રાજયના વિજિલન્સ કમિશન (તકેદારી આયોગ) સમક્ષ મોકલતાં હોય છે. વર્ષ 2022માં રાજયના 12,608 નાગરિકોએ વિજિલન્સ કમિશન સમક્ષ ફરિયાદો નોંધાવી. ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલાં આંકડાઓ કહે છે: ગેરરીતિઓ અને સતાના દુરુપયોગની વર્ષ દરમિયાન જે અરજીઓ સરકારને મળી છે તેમાં સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગ બારામાં મળી છે, જેની કુલ સંખ્યા 2,996 છે. આ વિભાગમાં શહેરી ગૃહ નિર્માણનો એટલે કે આવાસોનો પણ સમાવેશ થાય છે.
મહેસૂલ વિભાગ વિરુદ્ધ 1,735 અરજીઓ થઈ, જે બીજા ક્રમે છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિરુદ્ધ 1,230 અરજીઓ મળી છે. ગૃહ વિભાગ વિરુદ્ધ 1,205 અરજીઓ અને ઉદ્યોગ તથા ખાણ વિભાગ વિરુદ્ધ 923 અરજીઓ થઈ છે. સરકારી વિભાગો ઉપરાંત સરકારના બોર્ડ અને નિગમો પણ શંકાઓમાં છે. તેઓ વિરુદ્ધ પણ લોકોને અસંતોષ છે. ફરિયાદો છે. જેમાં સૌથી વધુ ફરિયાદો વીજતંત્ર એટલે કે પીજીવીસીએલ વિરુદ્ધ થઈ છે. આ તંત્ર વિરુદ્ધ એક જ વર્ષમાં તકેદારી આયોગને કુલ 106 ફરિયાદ મળી છે. પાણી પુરવઠા અને ગટર બોર્ડ વિરુદ્ધ ફરિયાદની સંખ્યા 105 છે. ST નિગમ વિરુદ્ધ 78 ફરિયાદો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વિરુદ્ધ 55 ફરિયાદો થઈ છે.
સૌથી વધુ ફરિયાદો ગાંધીનગર જિલ્લામાંથી થાય છે. ત્યારબાદ સુરતનો ક્રમ છે. પછી અમદાવાદ, વડોદરા અને રાજકોટથી વધુ ફરિયાદ થાય છે. કુલ 12,608 ફરિયાદો પૈકી માત્ર 578 ફરિયાદો સંબંધિત સતાધિકારીને પ્રાથમિક અહેવાલ તૈયાર કરવા મોકલવામાં આવી છે. 678 અરજીઓ જરૂરી કાર્યવાહીઓ બાદ અહેવાલ મોકલવા માટે સંબંધિત અધિકારીઓને પરત મોકલવામાં આવી છે. દર વર્ષે વિજિલન્સ કમિશનને મળતી ફરિયાદોની સંખ્યા વધતી જાય છે. લોકોમાં જાગૃતિ વધી રહી છે. સાથેસાથે વિભાગો અને બોર્ડ નિગમોના વહીવટમાં ગરબડો પણ વધી રહી છે. વિજિલન્સ કમિશન જાહેર સેવક સામેની લાંચ રૂશવત, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા તથા સતાના દુરુપયોગ જેવી બાબતો પર દેખરેખ રાખે છે. અને મળેલા અહેવાલોને આધારે સ્વતંત્ર અથવા ન્યાયિક તપાસ માટે ભલામણ કરે છે. કોઈ પણ નાગરિક કોઈ પણ સરકારી વિભાગ અથવા બોર્ડ કે નિગમ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
-આ વિગતો પણ જાણી લ્યો…
વિજિલન્સ વિભાગે 391 જાહેર સેવકો વિરુદ્ધ ભારે શિક્ષાની, 45 સામે પેન્શન કાપવાની અને 106 કસૂરવારો વિરુદ્ધ વસૂલાતની ભલામણો કરી છે. ગૃહ વિભાગ અંતર્ગત ACB ના 6 કેસ સફળ રહ્યા અને 10 કેસ નિષ્ફળ રહ્યા. મહેસૂલ વિભાગમાં 4 કેસ સફળ અને 13 કેસ નાકામ રહ્યા, ઉદ્યોગ- પર્યાવરણ- શ્રમ રોજગાર તથા નર્મદા એવા વિભાગો છે જેમાં એક પણ કેસ સાબિત થયો નથી. આ પ્રકારના 345 કેસ એવા છે જે 10 વર્ષ કરતાં વધુ સમયથી પડતર છે. મહેસૂલ વિભાગના કેસો સૌથી વધુ સંખ્યામાં પડતર રહે છે. લાંચ કેસમાં 25 ને જ સજા થઈ છે, 58 કેસ સાબિત થઈ શકયા નથી.