Mysamachar.in-જામનગર:
હવામાન વિભાગે બે દિવસ અગાઉ જ આગાહી કરી દીધી હતી કે, 22 થી 26 જૂન દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. આ આગાહી જામનગર જિલ્લા માટે પણ સાચી સાબિત થઈ છે. સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયાનું કંટ્રોલરૂમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આજે સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકાના મોટી ભલસાણ ખાતે નોંધાયો છે. અહીં પાછલાં 24 કલાકમાં 10 ઈંચ કરતાં પણ વધુ વરસાદ વરસી જતાં સમગ્ર પંથક પાણીપાણી થઈ ગયો છે.
જામનગર જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાકના વરસાદના જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, એ અનુસાર માત્ર તાલુકામથકોના વરસાદ પૈકી સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામથકે નોંધાયો છે. અહીં 7 ઈંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દરેક રાઉન્ડમાં જોડિયા ખાતે સારો વરસાદ વરસ્યો છે.
આ પાછલાં 24 કલાક દરમ્યાન કાલાવડ ખાતે પણ નોંધપાત્ર પોણાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામજોધપુરમાં પોણાં ત્રણ ઈંચ જેટલો, જામનગર શહેરમાં પોણાં બે ઈંચ જેટલો, લાલપુરમાં દોઢ ઇંચ કરતાં વધુ જ્યારે ધ્રોલમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- *જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ દે ધનાધન કર્યું છે…*
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સરસ વરસાદ વરસ્યો. લાખો ખેડૂતો સહિતના ગ્રામજનોમાં આ વરસાદથી હરખની હેલી જોવા મળી રહી છે. જામનગર તાલુકાના મોટી બાણુંગારમાં સાડા પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો. આ ઉપરાંત અલિયાબાડામાં ચાર ઈંચથી વધુ, જામવંથલીમાં ત્રણ ઈંચથી વધુ, ફલ્લામાં બે ઈંચથી વધુ અને દરેડમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. લાખાબાવળ અને વસઈમાં હળવા છાંટા પડ્યા છે.
જોડિયા તાલુકામાં હડીયાણામાં 3 ઈંચથી વધુ, બાલંભામાં 2 ઈંચથી વધુ અને પીઠડમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ધ્રોલના લતીપુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકામાં સૌથી વધુ વરસાદ ભલસાણ બેરાજામાં 5 ઈંચ કરતાં વધુ અને મોટા વડાળામાં 5 ઈંચ તથા મોટા પાંચદેવડામાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ તાલુકાના અન્ય વિસ્તારો નવાગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ખરેડીમાં બે ઈંચથી વધુ અને નિકાવામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકાના પીપરટોડામાં પોણાં છ ઈંચ જેટલો, હરિપરમાં સાડાચાર ઈંચથી વધુ અને મોટા ખડબામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ભણગોર, મોડપર અને પડાણામાં જો કે છાંટા જ પડ્યા. જામજોધપુર તાલુકામાં પાછલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ શેઠ વડાળા અને ધ્રાફામાં 3-3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. જામવાડી અને પરડવામાં બે ઈંચથી વધુ અને સમાણામાં દોઢ તથા ધુનડા અને વાંસજાળીયામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.